Getty Images)

ભારતમાં ટીકટોક સહિતના 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લદાયા બાદ હવે અમેરિકા પણ આ તમામ એપને પ્રતિબંધીત કરવા જઇ રહી હોવાનો સંકેત અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ આપ્યો છે અને તેઓએ કહ્યું કે કોરોના વાઈરસથી સંક્રમીત તમામ દેશો હવે ચીનથી થાકી ગયા છે અને હવે તેઓ કોઇપણ રીતે ચીનને ફાયદો ન થાય તે રીતે આગળ વધવા માગે છે.

અમેરિકી વિદેશમંત્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે ચીન જો ભારત પર લશ્કરી આક્રમણ કરે તો અમેરિકી સૈન્ય ભારતને સાથ આપશે. ભારત દ્વારા ચાઈનીઝ એપપર પ્રતિબંધ સહિતના પગલાને આવકારતા અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યુંકે તેમને પણ વિભિન્ન સ્ત્રોત પરથી જાણકારી મળી છે અને આઈએસઓ તથા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ચાઈનીઝ એપનો દુરુપયોગ કરવામાં આવે છે અને તેના ડેટા ચોરવામાં આવે છે. ભારતે જે પ્રકારે 59 એપ પર પ્રતિબંધ મૂક્યા તે જ પ્રકારે હવે અમેરિકા આગળ વધે તેવી ધારણા છે.

વાસ્તવમાં ગુગલ, ફેસબૂક સહિતના અનેક એપ્લીકેશન પર ચાઈનામાં અગાઉથી જ પ્રતિબંધ છે અને હવે અમેરિકા તેનો વળતો જવાબ આપે તેવી શક્યતા છે. પોમ્પીઓએ એ પણ સંકેત આપ્યો કે ટૂંક સમયમાં આ પ્રકારના વધુ નિર્ણયો લઇ શકાશે. તો બીજી તરફ તેઓએ ઉમેર્યું કે ચાઈના સાથે કામ કરવાની રીત હવે વિશ્ર્વએ બદલવી પડશે અને સામ્યવાદી દેશ જે રીતે વિશ્વ સાથે રમત રમી રહ્યો છે તેને માટે પણ પગલા જરુરી છે.

ચાઈના સાથે કામ લેવામાં જૂની કોઇ રીત કામ આવશે નહીં અને હવે વધુ નવા ઉપાયો પણ જરુરી બની ગયા છે. તથા ટ્રમ્પ પ્રશાસન પણ ચેક કરી રહ્યું છે અને ચાઈનાને વિશ્વથી અલગ પાડવાની આવશ્યકતામાં અમે આગળ વધી રહ્યા છીએ. તેમણે એ પણ કહ્યું કે ટ્રમ્પ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે કે જે કોઇ પક્ષપાત કરતાં નથી. ચીનને અમેરિકા સાથે વેપાર સંબંધ સ્થાપવાની તક આપવામાં આવી પરંતુ તેના કારણે અમેરિકાના મધ્યમ અને કામકાજી લોકોને નોકરી ખોવી પડી છે. અમે એ જોવા માગીએ છીએ કે ફક્ત અમેરિકાનું નુકસાન નહીં પરંતુ ચીનમાં જે લોકો છે તેને પણ કોઇ અન્યાય થવો જોઇએ નહીં.

ભારતમાં પ્રતિબંધ બાદ ટીકટોક કંપની હવે ટૂંક સમયમાં તેના પરનું ચાઈનીઝ લેબલ દૂર કરે તેવા સંકેત છે. અને ટીકટોકની પેરન્ટ કંપની બ્રાઈટ ડાન્સે સંકેત આપ્યો હતો કે તે હોંગકોંગમાંથી પણ ટીકટોકનું સંચાલન રોકવા જઇ રહી છે. કંપનીનું હાલ પૂર્ણ સંચાલન અમેરિકાથી થાય છે અને તે પણ વોલ્ટ ડીઝનીના પૂર્વ સીઈઓ કેવીન મેયર કરે છે અને કંપનીએ તેનો યુઝર્સ ડેટા ચીનને આપતી નથી તેવું પણ જાહેર કર્યું છે. અને એ પણ જણાવ્યું છે કે ચીન સરકાર દ્વારા કોઇપણ ડેટાના સેન્સર કે કોઇ આદેશનું પાલન કરતું નથી.