જ્યોર્જિયામાં ખાનગી ડીટેન્શન સેન્ટર ખાતે ઇમિગ્રન્ટ્સની સમજ અને મંજૂરી વિના ભારતીય મૂળના ગાયનેકોલોજીસ્ટે કરેલા કહેવાતા સામૂહિક ગર્ભાશય ઓપરેશન્સના મામલે વ્હીસબ્લોઅરની ફરિયાદ બાદ વ્યાપક નારાજગી અને ફેડરલ તપાસની માંગણી ઉઠી છે.

ડીટેન્શન સેન્ટરના કર્મચારીએ જે તે ડોક્ટરની ઓળખ આપી નહોતી પરંતુ અસરગ્રસ્તોના વકીલોએ ડોક્ટરનું નામ મહેન્દ્ર અમીન આપ્યું હતું. ડોક્ટરના વકીલે જોકે તેમના અસીલ દ્વારા કાંઇ ખોટું કરાયાનો ઇન્કાર કર્યો હતો. જ્યોર્જિયાના ડગ્લાસ સ્થિત ડો. અમીન ઓબ્ટેસ્ટ્રીક્સ અને ગાયનેકોલોજી સ્પેશિયાલિસ્ટ છે. તેઓએ ભારતના સુરતમાં સરકારી કોલેજમાં મેડીસીન અભ્યાસ બાદ સ્થાનિક હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી.

હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સના 173 ડેમોક્રેટ સભ્યોએ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને પત્ર પાઠવીને તપાસ માંગી છે. તપાસ પત્રની શરૂઆત કરનાર ભારતીય – અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે જણાવ્યું હતું કે, એક ડોક્ટરે 17થી 18 મહિલાઓ ઉપર બિનજરૂરી ગાયનેકોલોજીકલ પ્રોસિજર્સ કર્યાનું માલુમ પડે છે. આ કિસ્સામાં ઘણી વખત જે તે મહિલાની જાણ અને મંજૂરી વિના કુટુંબ નિયોજનના સ્પષ્ટ ઇરાદા સાથેની પ્રોસિજર કરાઇ હતી. ઘણા કિસ્સામાં ખોટા અંડાશય કાઢી નંખાયા હતા. સાંસદોની ફરિયાદ મુજબ આ પ્રોસિજર્સ દેખિતી રીતે ઈમિગ્રન્ટ્સની વસતિના જબરજસ્તી નિયંત્રણના ઈરાદે કરાયા હતા.

ઇર્વિન કાઉન્ટી ડીટેન્શન સેન્ટરની નર્સ ડોન વુટેને પ્રોજેક્ટ સાઉથના માધ્યમથી હોમલેન્ડ સિક્યુરિટીના આઇજીને આ ફરિયાદ કરતા આક્ષેપ મૂક્યો હતો કે, સવલત ખાતે અસ્વચ્છ સંજોગો તથા કોવિડ-19ની માર્ગદર્શિકાઓના ભંગ સાથે સામૂહિક રીતે ગર્ભાશય કાઢી નાખવા, વાઢકાપ કે ઓપરેશનો જે તે મહિલાની જાણકારી કે મંજૂરી વિના અને તેવું શા માટે કરાય છે તેની સમજ કે સ્પષ્ટતા આપ્યા વિના થયા હતા.