(Photo by Spencer Platt/Getty Images)

અમેરિકામાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના કેસમાં વધારો થતાં અનેક રાજ્યોમાં રસી કેન્દ્રો પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે. આ મામલે અમેરિકામાં ચર્ચાઓ પણ થઇ રહી છે, જેમાં એક વર્ગે રસીની જરૂરીયાત અંગે પ્રશ્નો પણ કર્યા છે.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના ડેટાને ટાંકીને સમાચાર સૂત્રોએ જણાવ્યું છે કે, તાજેતરના અઠવાડિયાઓમાં રસીની માગણીમાં વધારો થયો છે. અગાઉ પ્રતિદિન સરેરાશ એક મિલિયન ડોઝની માગણી હતી તે વધીને સરેરાશ પ્રતિદિન 1.5 મિલિયન ડોઝ પર પહોંચી છે.

સૂત્રોના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે જે લોકો રસી કેન્દ્રો પર લાઇનમાં ઊભા છે તેમાં ઘણા લોકો તેમનો પ્રથમ ડોઝ લેવા ત્યાં પહોંચી રહ્યા છે. અમેરિકન ફાર્માસિસ્ટ્સ એસોસિએશનના ઇમ્યુનાઇઝેશન પોલીસીના વડા મિશેલ રોથહોલ્ઝે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે, ‘લોકોએ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણી આરોગ્ય વ્યવસ્થા પણ હાલમાં દબાણ હેઠળ છે.’

બાઇડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ફેમિલી વેક્સિનેશન ક્લિનિક શરૂ કરવાનું અને રસીનો પ્રથમ અને બૂસ્ટર ડોઝ એક જ સ્થળે મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં લોકો ઓમિક્રોન અને ડેલ્ટા વેરીઅન્ટ્સ સામે સુરક્ષિત રહે તેની તકેદારી રાખવા માટે સીડીસીએ બૂસ્ટર ડોઝની પણ ભલામણ કરી હતી.

અમેરિકામાં મહામારી બાબતોના સલાહકાર એન્થની ફૌસીએ રવિવારે જણાવ્યું હતું કે, ‘શરૂઆતમાં ઓમિક્રોન કોવિડ-19ની ગંભીરતા અંગેના જે સંકેતો મળ્યા હતા તે પ્રોત્સાહક હતા. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન ફાયદો પણ છે. જોકે, તેના અંગે કોઈ નિશ્ચિત નિવેદનો આપવાનું ખરેખર ખૂબ જ વહેલું છે, અત્યાર સુધી, એવું લાગતું નથી કે તેની ગંભીરતાની વધુ છે. અત્યાર સુધી, તેના સંકેતો થોડા પ્રોત્સાહક છે.’ જોકે, મોડર્નાના પ્રેસિડેન્ટ સ્ટીફન હોગે ન્યૂઝ એજન્સીઝને જણાવ્યું હતું કે, રસીની અસરકારકતા અંગે ચિંતા છે. ‘મને લાગે છે કે, એક એવું પણ ખરેખર જોખમ છે કે, જે આપણને રસીની અસરકારકતામાં ઘટાડો જોવા મળી શકે છે. મને ખબર નથી કે તે કેટલું મહત્ત્વનું છે.’