વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કારોબારી સંચાલક ડો. માઈકલ જે રિયાને વિશ્વમાંથી કોરોના વાયરસનો કદાચ કદી પણ અંત નહીં આવે તેવી શક્યતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસે વિશ્વના લગભગ તમામ દેશોને પોતાની લપેટમાં લીધા છે અને આ જીવલેણ વાયરસ માટે હજુ સુધી કોઈ દવા કે વેક્સિન નથી શોધાઈ. આ સંજોગોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસનો કદી અંત નહીં આવે તેમ કહેવું ભયભીત કરનારૂં છે.

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા હાલ વિશ્વના અડધાથી વધારે દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે અને કરોડો લોકો પોતાના ઘરોમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. લોકો ફરીથી સાધારણ જિંદગીમાં પાછા ફરી શકાય તે માટે બને તેટલી ઝડપથી કોરોના વાયરસની વેક્સિન શોધાઈ જાય તેવી આશા રાખી રહ્યા છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો હાલ દિવસ-રાત એક કરીને કોરોનાની રસી શોધવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જેમ એચઆઈવીનો કદી અંત નહીં આવે તેમ કદાચ કોરોના વાયરસનો પણ કદી અંત નહીં આવે તેવી શક્યતા દર્શાવી છે.

ડો. માઈકલે બુધવારે એક હેલ્થ ઈમરજન્સી કાર્યક્રમમાં એચઆઈવી(HIV) સંક્રમણની જેમ કોરોના વાયરસ દુનિયામાં હંમેશા રહી જનારો વાયરસ બની શકે છે તેમ જણાવ્યું હતું. તેમણે પોતે એચઆઈવી અને કોરોના વાયરસની તુલના નથી કરી રહ્યા પરંતુ તેમના મતે આપણે સૌએ વ્યવહારિક બનવું પડશે તેવી સ્પષ્ટતા કરી હતી. વધુમાં તેમણે કોરોનાના કેસની સંખ્યા હજુ પણ વધી રહી હોવાથી વાયરસના ફેલાવાને અટકાવવા લાગુ કરાયેલા પ્રતિબંધો દૂર કરવા હાલ યોગ્ય નથી તેમ પણ જણાવ્યું હતું. જો આ પ્રતિબંધોને હટાવી લેવામાં આવશે તો મોટા પ્રમાણમાં વાયરસનો ફેલાવો થશે માટે લોકડાઉન આગળ પણ વધારવામાં આવે તેવી સંભાવના છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના મતે કોરોના વાયરસની વેક્સિન માટે હજુ એક વર્ષનો સમય લાગી શકે છે. ડો. માઈકલને આ અંગે પુછવામાં આવતા તેમણે વાયરસના ખાત્મા માટે વેક્સિન બનાવવી ખૂબ જરૂરી છે અને આ માટે સાથે મળીને કામ કરવાની આવશ્યકતા છે તેમ કહ્યું હતું. જો કે, તેમણે વેક્સિન ક્યારે તૈયાર થશે તે અંગે કોઈ સમયમર્યાદા આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ અમેરિકા, ભારત, ચીન સહિત વિશ્વના અનેક દેશો કોરોનાની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહ્યા છે.