આવતા મહિને અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગની ઉજવણી કરવા માટે અમેરિકાવાસી હિન્દુઓ તેમના ઘરોમાં પાંચ દીવડા પ્રગટાવવાનું આયોજન કરી રહ્યા છે. આ અવસરની ઉજવણી કરવા માટે હિન્દુ સમુદાયે વિવિધ શહેરોમાં કાર રેલી, મંદિરના લોકાર્પણ પ્રસંગનું મોટા સ્ક્રીન પર જીવંત પ્રસારણ અને સામુદાયિક મિલન સમારંભ સહિત અનેક શ્રેણીબદ્ધ કાર્યક્રમોના આયોજન કર્યા છે. આ અંગે શિકાગોમાં સમુદાયના પ્રતિષ્ઠિત અગ્રણી ભરત બારાઇએ જણાવ્યું હતું કે, “અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણની ઉજવણી કરવાનો સમય આવી રહ્યો છે. આપણા દરેક માટે એક સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. અમે જીવનમાં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે, આપણે આ દિવસ જોઇ શકીશું.”
ભરત બારાઇને આ લોકાર્પણ પ્રસંગે 22 જાન્યુઆરીએ ઉપસ્થિત રહેવા માટે મંદિરના સત્તાધિશો તરફથી આમંત્રણ મળ્યું છે. રામ જન્મભૂમિ આંદોલનમાં અગાઉ મોટી સંખ્યામાં અમેરિકન હિન્દુઓએ ભાગ લીધો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA)ના નેતૃત્વમાં આ ઉજવણી થશે અને તેના માટે એક વિશેષ વેબસાઇટ-https://rammandir2024.org શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા એક હજાર મંદિરો અને લોકો આ ઉજવણીમાં જોડાઇ શકશે. VHPAના અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે, ભારતમાં યોજાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસાદ અહીં નોંધાયેલા તમામ મંદિરોને આપવામાં આવશે.

LEAVE A REPLY

17 − 13 =