drugs issues
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (ફાઇલ ફોટો (Photo by Chandan Khanna/AFP via Getty Images)

મોદી સરકારે પુલવામા અને ઉરીમાં ત્રાસવાદી હુમલાને પગલે સીમા પારના વિસ્તારોમાં એર અને સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો મજબૂત નિર્ણય કર્યા બાદ દર્શાવ્યું છે કે કોઇપણ ભારતની સરહદો કે તેના સૈનિકોને હળવાથી લઈ શકે નહીં, એમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું.

સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના 57માં સ્થાપના દિને શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર માટે સરહદ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાના બરાબર છે. વડાપ્રધાનના વડપણ હેઠળ આ સરકારે 2014 પછીથી બોર્ડર સિક્યોરિટીને એક અલગ મહત્ત્વ આપ્યું છે. જો સીમા સુરક્ષાનું ઉલ્લંઘન થાય કે કોઇ સુરક્ષા જવાન પર હુમલો થાય તો અમે ત્વરિત વળતા પગલાં લઈએ છીએ. અમે દર્શાવ્યું છે કે કોઇ આપણી સરહદો અને સૈનિકોને હળવાશથી લઈ શકે નહીં.

જેસલમેરમાં શહીદ પૂનમ સિંહ સ્ટેડિયમમાં અમિત શાહે જણાવ્યું હતું કે બીએસએફની સ્થાપના પહેલી ડિસેમ્બર 1965માં થઈ હતી અને પ્રથમ વખત તેના સ્થાપના દિવસની ઉજવણી દિલ્હીની બહાર થઈ રહી છે. જેસલમેર પાકિસ્તાન સરહદ પરનો એક વ્યૂહાત્મક જિલ્લો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારે ભારતીય આર્મી પરના પુલવામા (2016) અને ઉરી (2016)ના હુમલા બાદ એર અને સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો મજબૂત નિર્ણય લીધો હતો. અમારા પગલાંની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. તેઓ માને છે કે દેશની સીમાઓ સુરક્ષિત હોય ત્યારે જ તે દેશ વિકાસ અને સમૃદ્ધિ લાવી શકે છે. બીએસએફ અને બીજા સુરક્ષા દળો ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે.