શિવસેના વડા અને મહારાષ્ટ્રનાા મુખ્ય્રધાન ઉદ્ધવ ઠાકરે (PTI Photo) (PTI12_15_2019_000227B)

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વગર વિરોધ પક્ષોનું ગઠબંધન બનાવીને તેનું નેતૃત્વ કરવાના પ્રયાસ કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની યોજના પર શિવસેનાએ ઠંડુ પાણી ફેરવી દીધું છે. શિવસેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંગ્રેસ વગર વિરોધ પક્ષોનું ગઠબંધન બનાવાથી ભાજપ મજબૂત થશે.

શિવસેનાએ તેના મુખપત્ર ‘સામાના’ના તંત્રીલેખમાં ટીએમસી પર હુમલો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ રૂપી નીચે ઉતરી રહેલી ગાડ઼ીને ઉપર ચડવા ન દેવાના અને કોંગ્રેસનું સ્થાન લેવાના ઇરાદા ઘાતક છે.

શિવસેનાએ તંત્રીલેખમાં જણાવ્યું છે કે મમતા બેનરજીની મુંબઈ મુલાકાતથી વિરોધ પક્ષોની હલચલ તેજ થઈ છે. તેનાથી ઓછામાં ઓછું હવામા શબ્દોના બાણ છુટી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં મજબૂત વિકલ્પ ઊભો કરવાનો છે, તેમાં એકમત છે. પરંતુ કોણ કોનું સમર્થન લે અને કોને બહાર રાખે તે મુદ્દે વિપક્ષમાં હજુ પણ વિવાદ છે. વિપક્ષનો લઘુતમ સામાન્ય કાર્યક્રમ ન બને ત્યાં સુધી ભાજપને મજબૂત વિકલ્પ આપવાની કોઇ વાતો ન કરે. પોતપોતાના રાજ્યો અને તૂટેલા ફુટેલા કિલ્લા સંભાળતા રહે અને એકમત ઊભો કરવાનો પ્રયાસ કરે. આ ગઠબંધનનું નેતૃત્વ કોણ કે તો પછીનો મુદ્દો છે.

મમતાના અભિગમની આલોચના કરતાં શિવસેનાએ જણાવ્યું હતું કે મમતાએ મુંબઈમાં આવીને રાજનૈતિક મુલાકાત કરી છે. મમતાની રાજનીતિ કોંગ્રેસ તરફી નથી. પશ્ચિમ બંગાળમાં તેમણે કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપનો સફાયો કર્યો છે. આ સત્ય છે, પરંતુ કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દૂર રાખીને રાજકારણ રમવું એટલે હાલના ફાસિસ્ટ રાજની પ્રવૃત્તિઓને મજબૂત કરવા જેવું છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ જાય તેવી મોદી અને તેમનો ભાજપ ઇચ્છા રાખે તો તે સમજી શકાય છે. આ તેમના કાર્યક્રમનો એજન્ડા છે. પરંતુ મોદી અને તેમની પ્રવૃત્તિની વિરુદ્ધમાં લડનારા લોકોને પણ કોંગ્રેસ ખતમ થાય તેવું લાગે તો તે સૌથી ગંભીર ખતરો છે.

સામનામાં જણાવાયું છે કે છેલ્લાં દસ વર્ષમાં કોંગ્રેસનું પતન ચિંતાજનક છે. તેમાં કોઇ બેમત નથી. પરંતુ ટ્રેક પરથી ઉતરી રહેલી ગાડીને ઉપર ન ચડવા દેવી અને કોંગ્રેસની જગ્યા આપણે લઈ લઈએ તેવા ઇરાદા ઘાતક છે. કોંગ્રેસનું દુર્ભાગ્ય એ છે કે જેમણે આજીવન કોંગ્રેસ મારફત સત્તાવૈભવ મેળવ્યો છે તેવા લોકો જ કોંગ્રેસનું ગળુ દબાવી રહ્યાં છે.