કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 22 જૂન 2021ના રોજ તેમના ગાંધીનગર સંસદીય ક્ષેત્ર હેઠળના ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. (PTI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ મેરેથોન બેઠક યોજીને વર્તમાન રાજકીય સ્થિતિ અને ભાજપના સંગઠનની કામગીરીનો તાગ મેળવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અમિત શાહ ભાજપની સંગઠનની કામગીરીથી ઘણા નારાજ હોવાનું માનવામાં છે. કોરોનાની બીજી લહેરમાં પક્ષની ધોવાયેલી રાજકીય પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા શાહે ભાજપના ટોચના નેતાઓને માર્ગદર્શન આપ્યુ હતું.
21 જૂને અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઓવરબ્રિજોનું લોકાપર્ણ કર્યુ હતું. આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ સાથે પણ સૂચક મુલાકાત કરી હતી. અમિત શાહના પ્રથમ દિવસના આખાય પ્રવાસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બાદબાકી કરાઇ હતી જે ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

22 જૂને વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા જ સર્કિટ હાઉસ પહોંચ્યા હતાં, જયાં કોરોના વખતે ભાજપ સંગઠને કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. અમિત શાહે કોરોનાની બીજી લહેરમાં જેમણે મહત્વની કામગીરી નિભાવી તેવા મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે કૈલાશનાથન, અગ્ર સચિવ-ઉદ્યોગ ડો.રાજીવ ગુપ્તા, પંકજકુમાર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.