પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશના લોકો સમર હોલીડેઝનો આનંદ ઉઠાવી શકે તે આશયે સરકારે રસીનો ડબલ ડોઝ ધરાવનારા લોકોને કોવિડ ક્વોરેન્ટાઇન નિયમોમાં છૂટ આપવાનું સરકાર વિચારી રહી છે. મિનિસ્ટર્સ આગામી ઓગસ્ટથી મુસાફરી પરનો પ્રતિબંધ હળવો કરશે તેમ લાગી રહ્યું છે અને ગુરૂવારે મુસાફરી પરના પ્રતિબંધોમાં ફેરફારની ઘોષણા કરાશે.

હાલને તબક્કે ગ્રીન લીસ્ટ દેશોની યાદીમાં નોંધપાત્ર સંખ્યામાં દેશોનો ઉમેરો કરવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. એમ્બર લિસ્ટના દેશોની મુલાકાત લીધા પછી પરત આવનારા લોકોએ જો બે ડોઝ મેળવ્યા હશે તો તેમને ક્વોરેન્ટાઇન કરવામાંથી મુક્તિ આપવાની યોજનાનું અનાવરણ કરાશે.

હેલ્થ સેક્રેટરી, મેટ હેનકોકે આજે પુષ્ટિ કરી હતી કે મિનિસ્ટર્સ આ પગલાંને ચકાસી રહ્યા છે. તેઓ આ ક્ષેત્રે આગળ વધવાના પક્ષમાં છે અને ક્વોરેન્ટાઇનને દૈનિક ટેસ્ટીંગ સાથે બદલવામાં આવશે. તેમણે સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે “આ અંગેની તબીબી સલાહ હજી સુધી લેવામાં આવી નથી – અમે તેના પર કામ કરી રહ્યા છીએ.’’

તા. 22ના રોજ હેનકોકે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું હતું કે “અમે ક્લિનિકલ સલાહને આધિન રહીને નવા નિયમો રજૂ કરીશું, આવું જલ્દીથી કરવું વ્યાજબી છે.”

વિદેશ યાત્રાની ટ્રાફિક લાઇટ સિસ્ટમ અંતર્ગત એમ્બર લિસ્ટના દેશોમાંથી પરત આવતા મુસાફરોને દસ દિવસ ઘરે આઇસલેટ થવું પડે છે અને બીજા અને આઠમા દિવસે પીસીઆર ટેસ્ટ કરાવવો પડે છે. જ્યારે રેડ લીસ્ટમાં આ જ નિયમો છે પણ તેમાં હોટેલમાં 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડે છે. ભારત હાલમાં રેડ લિસ્ટમાં છે.

વ્હાઇટહોલના સ્ત્રોતે કહ્યું હતું કે “વિજ્ઞાન કહે છે કે આપણે ગ્રીન લિસ્ટમાં ઘણા બધા દેશોનો સમાવેશ કરી શકીએ છીએ પરંતુ કેટલાક મિનિસ્ટર જુદો મત ધરાવે છે.”

ટ્રાવેલ કન્સલ્ટન્સી, પીસી એજન્સી એ જણાવ્યું હતું કે ગ્રીન લિસ્ટમાં ઓછામાં ઓછા 14 એમ્બર દેશોનો સમાવેશ થઈ શકે છે. તે દેશોમાં કોવિડ-19 કેસનો દર યુકે કરતા અડધો છે. તે દેશોમાં બાર્બાડોસ, માલ્ટા, મોરોક્કો, પોલેન્ડ, મેક્સિકો, બેલેરીક આઇલેન્ડ્સ, જર્મની, ઇટાલી, ક્રોએશિયા અને યુ.એસનો સમાવેશ થાય છે.

સરકારના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે જુલાઈમાં આ યોજના અમલમાં આવે તેવી સંભાવના ઓછી છે પરંતુ ઓગસ્ટ સુધીમાં લોકોને બન્ને રસી મળી ગઇ હોવાથી સરકારને નિર્ણય આગળ વધારવામાં મદદ મળશે. 18 વર્ષના લોકોને ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં રસીની બીજી માત્રા મળવાનું શરૂ કરાશે, જે વિદેશી મુસાફરી માટે વેક્સીન પાસપોર્ટ રજૂ કરવાને યોગ્ય ઠેરવશે. જો કે બાળકોને રસીનો ડબલ ડોઝ મળ્યો ન હોવાથી વાઇરસ શાળાઓમાં ન ફેલાય તેની ચિંતા છે.

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલના સિનિયર વાઇસપ્રેસિડન્ટ વર્જિનિયા મેસિનાએ જણાવ્યું હતું કે, ‘’જો મોટાભાગના આંતરરાષ્ટ્રીય મુસાફરોને જુલાઇમાં યુકેમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો યુકેને £19.8 બિલિયનનો ફટકો પડશે. અમે હવે વધુ વિલંબ સહન કરી શકતા નથી.’’

એરલાઇન્સ યુકેએ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સને પત્ર લખી હાલના “અપ્રમાણસર” સરહદ પ્રતિબંધોને રદ કરવા હાકલ કરી હતી. ઓછામાં ઓછા 32 દેશોના લોકોનું પહેલેથી જ રસીકરણ કરવામાં આવ્યું હોય તો તેમને ક્વોરેન્ટાઇનથી મુક્તિ મળે છે.

એન.એચ.એસ. ટેસ્ટ અને ટ્રેસ ડેટા મુજબ સ્પેન, ફ્રાન્સ અને ગ્રીસથી બ્રિટનમાં આવેલા 3,124 લોકોમાંથી માત્ર 0.1 ટકા લોકોએ 20 મેથી 9 જૂન દરમિયાન વાઇરસ માટે પોઝીટીવ ટેસ્ટ કર્યું છે.