(PhotoBY Chandan Khanna/AFP via Getty Images)

ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં સહકારી સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો દાવો કરીને કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી કો-ઓપરેટિવ નીતિની જાહેરાત કરશે તથા સહકારી આંદોલનને મજબૂત કરવા માટે રાજ્ય સાથે મળીને કામગીરી કરશે.

તેમણે દેશમાં પ્રાથમિક કૃષિ સહકારી મંડળીની (PACs)ની સંખ્યા વધારીને આગામી પાંચ વર્ષમાં 3 લાખ કરવાની પણ જાહેરાત કરી હતી. હાલમાં આશરે આવી 65,000 સક્રિય સંસ્થાઓ છે. આ ઉપરાંત સરકાર કો-ઓપરેટિંગ કોમન સર્વિસ સેન્ટર, નેશનલ ડેટાબેઝ તથા નેશનલ કો-ઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરવાની કામગીરી કરી કરી રહી છે.

સહકારિતા સંમેલનમાં વિવિધ સહકારી સંસ્થાઓના આશરે 2,100 પ્રતિનિધિઓ તથા આશરે 6 કરોડ ઓનલાઇન સભ્યોને સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ આવતું હોવાથી ઘણાને નવાઇ લાગે છે કે  કેન્દ્ર સરકારે નવા સહકાર મંત્રાલયની રચના શા માટે કરી છે.  આનો કાનૂની જવાબ આપી શકાય છે, પરંતુ હું રાજ્ય અને કેન્દ્રના વિવાદમાં પડવા માગતો નથી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સહકાર સાધશે અને કોઇ સંઘર્ષ થશે નહીં. સહકારી આંદોલનને આગળ ધપાવવા માટે અમે તમામ રાજ્યો સાથે મળીને કામ કરીશું. સહકાર મંત્રાલયની રચના આ ક્ષેત્રને મજબૂત અને આધુનિક બનાવવા માટે કરવામાં આવી છે.

સ્પર્ધાત્મક વાતાવરણમાં સહકારી સંસ્થાઓ તેમનું અસ્તિત્વ ટકાવી રાખે તે જરૂરી હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રોગ્રામ હેઠળ નવી કો-ઓપરેટિંગ પોલિસી લાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે અગાઉ 2002માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા નીતિ જાહેર કરવામાં આવી હતી અને હવે મોદી સરકાર નવી નીતિ ઘડી રહી છે.

.આ ઉપરાંત સરકાર મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ એક્ટમાં સુધારો કરશે તથા દેશભરની પ્રાયમરી એગ્રીકલ્ચર સોસાયટીને આધુનિક અને ડિજિટલાઇઝ કરશે. અમિત શાહે જણાવ્યું હતું કે ” દેશના દરેક બીજા ગામમાં પ્રાયમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિંગ સોસાયટી ઊભી કરવાનો લક્ષ્યાંક છે. આગામી પાંચ વર્ષમાં પીએસીની સંખ્યા વધીને 3 લાખ થશે. હાલમાં દેશમાં દરેક 10 ગામમાં એક પીએસી છે.”

સહકારી સંસ્થાઓના આધુનિકરણની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રાયમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિંગ સોસાયટીને કમ્પ્યૂટરાઇઝ કરવાની યોજના તૈયાર કરવામાં આવશે. પીએસીની હિસાબી પદ્ધતિ જિલ્લા સહકારી બેન્ક અને નાબાર્ડ સાથે જોડાણ શકે તે રીતે સ્થાનિક ભાષામાં સોફ્ટવેર ડેવલપ કરાશે. સરકાર આવી સંસ્થાઓને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPOs) બનાવવા માટે કામગીરી કરી રહી છે. આવી સંસ્થાઓને પ્રોફેશનલ બનાવવાની પણ જરૂર છે. તે માટે સભ્યોની કુશળતામાં વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે કો-ઓપરેટિંગ ક્રેડિટ સોસાયટીને પણ મજબૂત કરાશે અને તેનું વધુ ક્ષેત્રોમાં વિસ્તરણ કરાશે. પીએસીની ભૂમિકાને પ્રાયોરિટી સેક્ટર ધિરાણમાં વધારવામાં આવશે.