ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ યોર્કમાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાના 76માં સેશનમાં સંબોધન કર્યું હતું. REUTERS/Eduardo Munoz/Pool

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના 76માં સત્રને સંબોધિત કરતા ત્રાસવાદી, કોરોનાના ઉદભવસ્થાન, વિસ્તારવાદના મુદ્દે આડકતરી રીતે પાકિસ્તાન અને ચીન પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ રાજકીય હથિયાર તરીકે ત્રાસવાદના ઉપયોગને ખતરનાક ગણાવીને પાકિસ્તાનની ટીકા કરી હતી. મોદી ચીનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે કોરોના મહામારીને ઉદભવસ્થાન અને વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુંઈગ બિઝનેસ રેન્કિંગ જેવા મુદ્દાના કારણે દાયકાની મહેનત બાદ બનાવવામાં આવેલી વૈશ્વિક સંસ્થાઓની વિશ્વસનીયતાને ફટકો પડ્યો છે.

ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનની વધતી જતી લશ્કરી તાકાદનો દેખિતી રીતે ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે વિસ્તારવાદની રેસમાંથી સમુદ્રસીમાનું રક્ષણ કરવાની જરૂરિયાત છે. વૈશ્વિક સમુદાયે નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત કરવા એક અવાજે બોલવાની જરૂર છે.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે વિશ્વ સમક્ષ આતંકવાદનું જોખમ વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વને વિજ્ઞાન આધારિત અને વિકાસવાદી વિચારના આધારે વિકાસને જ આધાર બનાવવો જોઈશે. તેમણે કહ્યું હતું કે જે દેશ આતંકવાદનો રાજકિય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે તેમણે આ વાત સમજવી પડશે કે આતંકવાદ તેમના માટે પણ મોટો ખતરો બની શકે છે.
કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે કોરોના રોગચાળાએ વિશ્વને શીખવાડ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાસભર બનાવવી જોઈએ. અમારું આત્મનિર્ભર ભારત અભિયાન આ ભાવનાથી પ્રેરિત છે. સ્વતંત્રતાના 75 વર્ષના પ્રસંગે ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહો અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, લોકશાહી અમારી હજારો વર્ષોની પરંપરા રહી છે. આ 15 ઓગસ્ટે ભારતે પોતાની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારી વિશેષતા, અમારી સશક્ત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ જેમાં ઘણી બધી ભાષાઓ, સેંકડો બોલીઓ, અલગ-અલગ રહેણી-કહેણી, ખાવા-પીવામાં પણ વિવિધતા છે. આ વાઈબ્રન્ટ ડેમોક્રેસીનું ઉદાહરણ છે. આ ભારતની લોકશાહીની તાકાત છે કે એક નાનકડો છોકરો જે ક્યારેક રેલ્વે સ્ટેશન પર ચાની કિટલી પર પોતાના પિતાની મદદ કરતો હતો તે આજે ભારતના વડાપ્રધાન તરીકે ચોથી વખત યુએનજીએને સંબોધિત કરી રહ્યો છે.