બોલીવૂડના મહાનાયક-મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન પોતાના જીવન અને અનુભવોની ઝરમર અંગત બ્લોગમાં જણાવતા રહે છે. તાજેતરના એક બ્લોગમાં તેમણે વધતી ઉંમરની વાસ્તવિકતા અંગે વાત કરી હતી. 82 વર્ષની ઉંમરે જીવન હવે પહેલા જેવું સરળ ન રહ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું છે અને હવે દરેક રોજિંદા કામમાં વધારે કાળજી રાખવાની અને વિચાર કરવાની જરૂર પડતી હોવાનું પણ કબૂલ્યું છે.
અમિતાભ બચ્ચને ઉંમરના આ પડાવ અંગે બ્લોગમાં જણાવ્યું હતું કે, દિવસનો ઘટનાક્રમ પહેલેથી નક્કી જ થયેલો હોય છે. રોજિંદી દવાઓ અને જરૂરી કામ કરવાની સાથે પ્રાણાયમ, હળવા યોગ કરવાના હોય છે. ચાલતી વખતે સંતુલન રાખવા પણ ઝઝૂમવું પડે છે. શરીર ક્રમશઃ સંતુલન ગુમાવી રહ્યું છે અને તેમાં સુધારો લાવવા કામ કરવું જરરી છે. થોડા વર્ષો અગાઉ જે રોજિંદા કામ સરળતાથી થઈ શકતા હતા, તે હવે મુશ્કેલ બની ગયા છે.
અગાઉ સાવ સામાન્ય લાગતા કામ હવે કરવા માટે પણ વિચાર કરવો પડે છે. રોજિંદા જીવનમાં કાળજી રાખવા માટે ડોક્ટરે આપેલા સૂચનો અંગે વાત કરતાં અમિતાભ જણાવ્યું હતું કે, ટ્રાઉઝર પહેરવા જેવા સરળ કામમાં પણ સાવચેતી રાખવી પડે છે.
ડોક્ટરે ઊભા-ઊભા ટ્રાઉઝર પહેરવાના બદલે બેસીને આ કામ કરવા કહ્યું છે. જેથી સંતુલન ગુમાવીને પડી જવાની આશંકા ના રહે. શરૂઆતમાં તેમની સલાહ સાચી ન હોતી લાગતી, પરંતુ પછી મને સમજાયું કે તેમની વાત સાચી હતી. હવે તો ઘરમાં ચાલવા માટે પણ ટેકો લેવો પડે તેવી સ્થિતિ છે. ડેસ્ક પર પડેલું કાગળ ઉપાડવા માટે સહેજ નમવાનું ખૂબ સાહજિક હતું, પરંતુ હવે આ શારીરિક પ્રક્રિયા કરતાં પહેલા પણ શરીરને સ્થિર કરવું પડે છે.
