પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આણંદ જિલ્લાના પીપળાવ ગામ પાસે 27 જુલાઈએ સુરતથી સૌરાષ્ટ્ર જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓની કારને આંતરી કર્મચારીઓ પર મરચાની ભૂકી નાંખી રૂા.59.84 લાખના હીરા અને સોનાના દાગીનાની ચકચારી લૂંટ કરી ફરાર થઈ ગયેલી ટોળકીના ત્રણ આરોપીઓને સોજીત્રા પોલીસે ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરતની આર. મહેન્દ્રકુમાર આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓ અને કાર ચાલક સહિત ચાર જણા કારમાં સોનાનાં દાગીના અને હીરાના પડીકા લઈને સૌરાષ્ટ્ર જઈ રહ્યા હતા ત્યારે ગત 27મી જુલાઈની રાત્રે આણંદ જિલ્લાના પીપળાવ ગામ પાસે બે કારમાં આવેલા 8 જેટલા લૂંટારુઓએ આંગડિયા પેઢીની કારને આંતરીને કારનાં કાચ તોડી કારમાં બેઠેલા કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી 59.84 લાખના સોનાના દાગીના અને હીરા ભરેલા થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.પોલીસે આ બનાવમાં ટીપ આપનાર મુખ્ય સૂત્રધાર નિકુલસિંહ, કપુરજી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. તેઓની પૂછપરછમાં અન્ય પાંચ સાગરીતોના નામ ખુલતા પોલીસે તેઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ટોળકીએ ગત જૂન માસમાં પણ લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. પોલીસે પકડાયેલી ટોળકી પાસેથી કાચા અને પાકા 20 કેરેટના હીરા, બે કાર, ત્રણ મોબાઈલ સહિત 12.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.