નાની પેથાણ વોટર વર્ક્સ કમિટીના 30 વર્ષની ઉજવણી પ્રસંગે મહારાણી તરફથી કમાન્ડર ઓફ બ્રિટીશ એમ્પાયરનું બહુમાન મેળવનાર પેથાણ ગામના જમાઇ અને ગરવી ગુજરાતના તંત્રી શ્રી રમણિકલાલ સોલંકીનું શ્રી કાનજીભાઇ પટેલે સન્માન કર્યું હતું.
  • મગનભાઇ આર. પટેલ, વોલ્સોલ

કાનજીબાપા, કાનજી અને કાનજી લાલાના નામે ઓળખાતા દરિયાદિલ દાનેશ્વરી શ્રી કાનજીભાઇ લાલાભાઇ પટેલના અવસાનને 14 જુલાઇના રોજ દસ વર્ષ પૂરા થયા હોવા છતાં આજે પણ કાનજીભાઇને માત્ર વેસ્ટ મિડલેન્ડ્ઝ જ નહિં પણ તેમના વતન નવસારી અને સુરતમાં પણ લોકો તેમના પરોપરકારી અને સાદગીપૂર્ણ જીવન, માયાળુ સ્વભાવ અને સ્વમાની સ્વભાવ માટે યાદ કરી અંજલિ આપે છે.
માતા કેશીબેનની કુખે જન્મેલા કાનજીભાઇ નવ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. માત્ર સાત ચોપડી ભણ્યા બાદ નાની ઉંમરે ચાર ભાઇઓ અને માતાના બનેલા કુટુંબનો ભાર ઉપાડનાર કાનજીભાઇએ ‘’પોતે કરેલા પુરુષાર્થ અને પરમાત્માની કૃપાથી મળેલી ધન સંપત્તિથી બીજાનું ભલું કરવું’’ એવી માતાની શિખામણનું પાલન કરવાનું નક્કી કરી લીધું હતું. આ શુભસંસ્કારના સિંચનને કારણે કાનજીભાઇનું સમાજમાં ગૌરવ વધ્યું હતું.
કાનજીભાઇ શરૂઆતમાં છ માઇલ ચાલીને નવસારીમાં મફતલાલ મિલમાં નોકરી કરવા જતાં. 1945માં મટવાડના શાંતબેન સાથેના લગ્ન બાદ પરિવારની જવાબદારી વધતાં નોકરીથી ઘેર આવીને દરજીકામ કરતાં.
મિત્રોનો સહયોગ લઇને 1949માં કેન્યા જઇ વતન ભારત પરત થયેલા કાનજીભાઇ 1954માં ઇંગ્લેન્ડ આવ્યા હતા. થોડો સમય સખત મજૂરી કરી વેલ્ડરનું કામ શીખ્યાં બાદ મીડલેન્ડ્ઝના ડડલીમાં સ્થાયી થયા હતા અને કાપડની ફેરીનો વેપાર શરૂ કર્યો હતો. 1959માં ચાર બાળકો અને ધર્મપત્ની શાંતાબેનને ભારતથી યુકે બોલાવ્યાં હતા.

ખૂબ ઉદ્યમી અને સતત નવું કરવા માગતા કાનજીભાઇએ 1964માં ગ્રોસરીની નાની દુકાન ચાલુ કરી હતી ઇમિગ્રન્ટની વસતિ વધતા વેપારમાં વધારો થતા અને પુત્રો ડાહ્યાભાઇ અને કનુભાઇનો સાથ મળતા 1975માં બર્હિંગહામમાં બ્યૂટી કેર પ્રોડક્ટ્સનો બિઝનેસ ખરીદ્યો હતો. તેમાં વિકાસ થતાં અમેરિકા જઇને ઉત્પાદક કંપની પાસેથી જથ્થાબંધ વેપાર માટે એજન્સી મેળવી હતી. વેરહાઉસની શરૂઆત બાદ બિઝનેસ ધારણા કરતા વધુ સફળ થતાં બ્યૂટી કેર પ્રોડક્ટ્સનો વધુ વિકસ કરી બાર માણસોને રોજગારી આપી હતી.
બીજાને મદદ કરવાની ભાવનાને કારણે ડડલી અને આજુબાજુના વિસ્તારોના ઇમિગ્રન્ટ સમાજમાં જાણીતા કાનજીભાઇને સ્થાનિક જમૈકન સમાજના લોકો કાનજી, ગુજરાતી સમાજના લોકો કાનજી લાલા કહેતા. સંતોના પરિચયથી ‘કાનજીબાપા’ના બહુમાનથી ઓળખાતાં. પરિવાર પગભર થતાંજ માતાની શિખામણ માની સેવા કાર્યો ચાલુ કર્યાં હતા. 1979માં નાની પેથાણ વોટર વર્કસ નામના સંસ્થા રચી રૂ. 47500નું દાન કરી ગામની પાણીની સમસ્યા દૂર કરી હતી. ગામમાં પરબ – બાલમંદિર માટે રૂા.10,000 અને શ્રી હનુમાન મંદિર માટે રૂા.5,000નું દાન કર્યું. પેથાણ અને કોથમડી વચ્ચે હાઇસ્કૂલ નિર્માણ માટે રૂા.25,001ની સહાય કરી. 1988માં હાઇસ્કૂલના ઉદ્ઘાટન માટે ઇંગ્લેન્ડથી 44 વ્યક્તિ સાથે ચાર્ટર પ્લેન કરીને પેથાણ ગયા હતા. તે પછી હાઇસ્કૂલ માટે બીજા રૂા.26001નું દાન કરી મફત ઇંગ્લીશ ટ્યુશન ક્લાસ માટે પાંચ લાખની અનામત મુકી હતી. જેનો આજે પણ ગામના વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે.
તેમણે ડડલી શહેરમાં કૃષ્ણ મંદિરની સ્થાપના કરી મંદિર માટે પરિવારે કુલ 28,550 પાઉન્ડનું માતબર દાન આપ્યું હતું. તેમણે વોલ્સોલ મંદિરને £3,302, કોવેન્ટ્રી મંદિરને  £1,001 અને શ્રી કૃષ્ણ મંદિર વેસ્ટ બ્રોમીચને કુલ £16,222નું દાન કર્યું હતું.
નવસારીના મહેશભાઇ કોઠારીના બહેરા મુંગા મમતા મંદિરની શાળાના મુદ્રણાલય માટે રૂ.11 લાખનું દાન આપ્યું હતું. તે વખતે પૂ. મોરારી બાપુએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બીલીમોરામાં સાંસ્કૃતિક ભવન માટે સ્વામી સચ્ચિદાનંદના આશીર્વાદ સાથે રૂા.1,51,000નું અને દાંડી નમક સત્યાગ્રહ ટ્રસ્ટ માટે 11 લાખનું દાન કર્યું હતું. ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓને સતત દાન કરતા રહેવાના કારણે ટીવી, રેડિયો અને વર્તમાનપત્રમાં તેમની દાનવૃત્તિની વ્યાપક પ્રસંશા થઈ હતી.

ઉદાર સખાવત માટે દ. આફ્રિકામાં પ્રફુલ્લભાઇ શુક્લની કથામાં સન્માન કરાયું હતું. તો કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ નવસારી તરફથી પણ સન્માન કરાયું હતું.

સંપર્ક: ડાહ્યાભાઇ અને કનુભાઇ ડડલી 01384 230 970 અને 07738 208 868