કૉન્ઝર્વેટિવ પાર્ટીના એન્ડી સ્ટ્રીટ બીજી પસંદગીના કુલ 314,669 મતો સાથે લેબર પાર્ટીના લિયામ બાયર્ન સામે ફરીથી વેસ્ટ મિડલેન્ડ્સના મેયર તરીકે ચૂંટાઇ આવ્યા છે. લિયામ બાયર્ન પ્રથમ તબક્કાના 55,309 મતોની ખોટ પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યા હતા અને કુલ 267,626 મતો મેળવી બીજા સ્થાને આવ્યા હતા.

57 વર્ષની વય ધરાવતા એન્ડી સ્ટ્રીટ, જ્હોન લુઇસના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર છે અને આ અગાઉ 2017માં લેબરના સાયન સાયમનને હરાવી આ પદ પર પ્રથમ વખત ચૂંટાયા હતા.

પરિણામ પછી એન્ડી સ્ટ્રીટે જણાવ્યું હતું કે ‘’જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે દરેકનો અને છેલ્લાં ચાર વર્ષથી બોર્ડમાં આવેલા બીજા બધાને આભાર માનવા માંગુ છું, અને વેસ્ટ મિડલેન્ડ્સના નવીકરણ માટેની અમારી દ્રષ્ટિ અને વિશ્વાસને શેર કરૂં છું. તે એકતા અને હેતુની વધતી ભાવના છે જે મને ખાતરી આપે છે કે આપણે સફળ થઈશું. કોવિડ-19 રોગચાળાને કારણે હવે આ ક્ષેત્રમાં ગંભીર પડકારોનો સામનો કરવો પડે છે. પરંતુ વેસ્ટ મિડલેન્ડ્સ મજબૂતપણે તેમાંથી બહાર આવશે. અમે ગતિશીલ, મેરીટોક્રેટિક, સર્વસામાન્ય સમાજની રચના કરીશું જેની આપણે સર્વે ઇચ્છા રાખીએ છીએ.’’

આ પ્રદેશના મેયર વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટીના ઘટકો – સાત સ્થાનિક કાઉન્સિલ ક્ષેત્રો – બર્મિંગહામ, કોવેન્ટ્રી, ડડલી, સેન્ડવેલ, સોલીહલ, વૉલ્સૉલ અને વુલ્વરહેમ્પ્ટનના કુલ લગભગ 2.8 મિલિયન લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચૂંટણીમાં 31% મતદાન થયું હતું. ગ્રીન પાર્ટી માટે સ્ટીવ કડવેલ, રિફોર્મ યુકે માટે પીટ ડર્નેલ અને લિબરલ ડેમોક્રેટ માટે જેની વિલ્કિન્સને પણ ઉમેદવારી કરી હતી.