ભારતમાં એક સમયે સૌથી શ્રીમંત પરિવારોમાં ગણાતા ધીરુભાઇ અંબાણીના પુત્ર અનિલ અંબાણીની અત્યારે આર્થિક સ્થિતિ ખૂબ જ ગંભીર છે. બ્રિટનની કોર્ટે તેમની મિલકતોની માગેલી વિગતના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું પરિવારનું દાગીના વેચીને વકીલોની ફી ભરી રહ્યો છું. મારી પાસે હવે એક કાર સિવાય કંઇ નથી. મારા પરિવારનું ગુજરાન અન્ય સંબંધીઓ દ્વારા ચાલી રહ્યું છે.
બ્રિટિશ કોર્ટને શુક્રવારે પોતાની આર્થિક પાયમાલી અંગે અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, હવે મારી પાસે કંઇ રહ્યું નથી. માત્ર એક કાર છે. હું સામાન્ય માણસ જેવું જીવન જીવી રહ્યો છું.
ચાઇનીઝ કંપનીઓનું દેણું ચૂકવવાના કેસમાં અનિલ અંબાણી કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થયા હતા. કોર્ટે તેમની સતત ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. અનિલે જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન મારે કાનૂની ખર્ચ ચૂકવવા માટે પરિવારના રૂ. 9. 90 કરોડની કિંમતના દાગીના વેચવા પડ્યા છે.
અનિલે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, મીડિયાએ મારી મિલકતની વાતો ચગાવીને રજૂ કરી હતી. મારી પાસે ક્યારેય રોલ્સરોયઝ કાર નહોતી. મારી પાસે એક સાધારણ કાર છે. મારા વિશે મીડિયા અનેક પ્રકારની અફવા ફેલાવે છે. બાકી મારી જીવનશૈલી સામાન્ય માણસ જેવી છે.
આ દરમિયાન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચીન, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઓફ ચીન અને ચીઇના ડેવલપમેન્ટ બેંકે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, અનિલ અંબાણી સામે અમે તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીશું. આ વર્ષે 22 મેએ લંડનની એક કોર્ટે અનિલ અંબાણીને આદેશ આપ્યો હતો કે, 12 જૂન સુધીમાં તમારે ચાઇનીઝ કંપનીઓનું રૂ. 5,281 કરોડનું દેવું અને કાનૂની ખર્ચના રૂ. સાત કરોડ ચૂકવવા.