મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની આ સરકારે જે કહેવું તે કરવું નો ધ્યેયમંત્ર રાખીને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજ્યના બજેટમાં જાહેર થયેલી યોજનાઓ નો ત્વરીત અમલ કરી વિરોધીઓના મ્હોં બંધ કરી દીધા છે.
આ સંદર્ભમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે આ સરકાર ખેડૂત, ગરીબ, વંચિત, પીડિત અને ગામડાના કલ્યાણને વરેલી છે. આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના જાહેર કરી હતી અને કોરોનાના સંક્રમણ કાળમાં પણ તેનો અમલ કરીને ખેડૂતોના અને જનતા જનાર્દનના વિકાસ કામો અટકવા દીધા નથી. આ યોજના જ્યારે રાજ્ય સરકારે જાહેર કરી ત્યારે તેને માત્ર વાતો જ છે એવું કહેનારા અને ખેડૂતના નામે મગરના આંસુ સારનારા તત્વોને માત્ર એક જ મહિનામાં કૃષિ વિભાગે આ ખેડૂત કલ્યાણના સાતેય પગલાંનો લાભ કિસાનોને આપીને સચોટ જવાબ આપી દીધો છે.
મુખ્ય પ્રધાને આ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે વધુ ત્રણ પગલાંમાં શાકભાજી ફળફળાદીનો વેપાર કરનારા નાના વેચાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રી વિતરણ, નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ તેમજ ખેડૂતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાઓનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રતીક રૂપે પાંચ લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ અર્પણ કર્યા હતા.
મુખ્ય પ્રધાને ઉમેર્યું કે ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થાય, યોગ્ય બજાર ભાવ મળે એટલું જ નહીં સિંચાઇ અને વીજળીની વ્યાપક સવલતથી ખેડૂત સાચા અર્થમાં જગતનો તાત બને ખેતીવાડીથી સમૃદ્ધિની દિશામાં વળે તે માટેના સર્વગ્રાહી આયોજન આ સરકારે કરેલા છે.
તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં કોંગ્રેસીઓના શાસનમાં ખેડૂત બાપડો-બિચારો, દેવાદાર હતો. વીજળી માટે અટવાતો ને લંગડી વીજળી મળતી, ખેતરમાં ટ્રાન્સફોર્મર બળી જતા અને મોટર પણ બળી જતી એવી અવદશામાં વર્ષો સુધી ખેડૂતોને રાખનારાઓ હવે ખેડૂતોની દેવા નાબૂદીની વાતો કરીને ખેડૂતના નામે રાજકારણ કરે છે.
આપણે ચાર વર્ષમાં ૧૫ હજાર કરોડથી વધુ અનાજ ટેકાના ભાવે ખરીદી ને ખેડૂતની મહેનતના યોગ્ય દામ આપ્યા છે.
કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગર ખાતેથી આ વીડિયો કોન્ફરન્સ લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.