કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ. અનિલ જોશીયારાનું કોરોનાના કોમ્પ્લિકેશનને પગલે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં સોમવાર, 14 માર્ચે અવસાન થયું હતું. તેમની ઉંમર 69 વર્ષ હતી. તેમના અગ્નિસંસ્કાર વતન ભીલોડામાં કરવામાં આવશે. ડો. જોશીયારા ઉત્તર ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ભિલોડાથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ ડૉ. જોષીયારાના અવસાન અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ડૉ. અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થાય હતા. જાન્યુઆરી મહિનાના અંતમાં ડૉ. અનિલ જોશીયારાની તબિયત લથડતા તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અનિલ જોશીયારાની તબિયત વધુ લથડતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાદમાં ડૉ. અનિલ જોશીયારાને વધુ સારવાર માટે ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડૉ. જોશીયારા 1995થી ભીલોડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેમનો જન્મ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ચુનાખાણ ગામમાં 24 એપ્રિલ 1952ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ યમુનાબહેન છે. સંતાનમાં તેઓને એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેમણે એમબીબીએસ અને એમએસ (જનરલ સર્જન)ની ડિગ્રી મેળવી હતી.