યુકેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શતાબ્દી મહોત્સવ અને લંડન સ્ટોક એક્સ્ચેન્જનમાં લિસ્ટિંગની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 10 માર્ચ 2022ના રોજ ઐતિહાસિક લંડન સ્ટોક એક્સ્ચેન્જે ખાસ સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ આ ઉજવણીના ભાગરૂપે લંડન સ્ટોક એક્સ્ચેન્જનો પ્રારંભ કરાવ્યો હતો.

લંડન સ્ટોક એક્સચેન્જની (LSE) વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવાયું હતું કે “ભાષા અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા બ્રિટન સાથે સમૃદ્ધ, ઐતિહાસિક સંબંધો ધરાવતા રાષ્ટ્ર તરીકે, SBI સહિયારી સમૃદ્ધિ માટે વિપુલ તકો શોધવા ઉત્સુક છે. 100 વર્ષ સુધી UKના સમુદાયની ગર્વભેર સેવા કર્યા પછી, SBI UK તેના કોર્પોરેટ, બિઝનેસ અને વ્યક્તિગત ગ્રાહકો માટે પ્રતિબદ્ધ છે અને UKમાં તેના ગ્રાહકો માટે આગામી સો વર્ષોની નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિની રાહ જુએ છે.” વિશ્વની અગ્રણી બેન્કમાં સ્થાન ધરાવતી એસબીઆઆઇ ફોર્ચ્યુન 500 કંપની છે. આશરે 200 વર્ષોના સમૃદ્ધ વારસા સાથે તે ભારતની સૌથી મોટી કોમર્શિયલ બેન્ક છે.

યુકેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સફર ખરેખર ઐતિહાસિક રહી છે. આ સફર જાન્યુઆરી 1921માં ચાલુ થઈ હતી. તે સમયે ઇન્ડિયન ડાયાસ્પોરા, બ્રિટિશ સોસાયટી, કોર્પોરેટ અને નાના બિઝનેસને બેન્કિંગ સર્વિસ પૂરી પાડવા ઇમ્પીરિયલ બેન્ક ઓફ ઇન્ડિયાની લંડન બ્રાન્ચનો પ્રારંભ થયો હતો. તે પછીના વર્ષોમાં યુકેમાં એસબીઆઇની કામગીરી સતત મજબૂત થઈ છે અને તે યુકેમાં ભારતની સૌથી મોટી બેન્ક બની છે. તેનો યુકે ખાતેના બેન્કિંગ બિઝનેસ સૌથી મોટો ઇન્ટરનેશનલ બિઝનેસ છે તથા તે હોલસેલ બેન્કિંગ અને રીટેલ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. એસબીઆઇની લંડન બ્રાન્ચ સિન્ડિકેટેડ લોન, બાય ટુ લેટ લોન, ટ્રેડ ફાઇનાન્સ, સપ્લાય ચેઇન ફાઇનાન્સ, બેનિફિશિયરી લેન્ડિંગ સહિતની વ્યાપક શ્રેણીની હોલસેલ અને કોર્પોરેટ સર્વિસ પૂરી પાડે છે. એસબીઆઇએ કોર્પોરેટ ડેટ ઇશ્યૂના સંચાલન માટે 2021માં મર્ચન્ટ બેન્કિંગ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે.

એપ્રિલ 2018માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યુકે (એસબીઆઇ યુકે)ની સ્થાપના માટે 225 મિલિયન પાઉન્ડની મૂડીની પ્રતિબદ્ધતા આપી હતી અને યુકે રિટેલ ફ્રેન્ચાઇઝી માટે અલગ મૂડીની ફાળવણી કરી હતી. તે યુકેમાં 11 બ્રાન્ચ ધરાવે છે, જે યુકેના કસ્ટમર્સ માટે બેન્કની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. એસબીઆઇ યુકે સંપૂર્ણ શ્રેણીની રિટેલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ ઓફર કરે છે, જેમાં કોમર્શિયલ લેન્ડિંગ, બાય ટુ લેટ મોર્ગેજ, રેમિટન્સ, સેફ ડિપોઝિટ લોકર્સ તથા ઇન્સ્ટન્ટ એક્સેસ સેવિંગ્સ એકાઉન્ટ, ફ્લેક્સી ISA, કેશ ISA, બિઝનેસ એકાઉન્ટ સહિતની વિવિધ ડિપોઝિટ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

યુકેમાં ડિજિટલ બેન્કિંગના વિસ્તરણની યોજનાના ભાગરૂપે એસબીઆઇ યુકેએ 2019માં તેનું ડિજિટલ બેન્કિંગ એપ ‘યોનો એસબીઆઇ યુકે’ લોન્ચ કર્યું હતું. ‘યોનો એસબીઆઇ યુકે’નો હેતુ ગ્રાહકોને બેન્કિંગ જરૂરિયાત પૂરી કરવા માટે ઇઝી ટુ યુઝ મોબાઇલ એપ પૂરો પાડવાનો છે. તેનાથી ઓનલાઇન એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આ એપથી ગ્રાહકો તેમના એસબીઆઇ ઇન્ડિયા એકાઉન્ટની વિગતો પણ જોઇ શકે છે.

100 વર્ષ માટે યુકે કમ્યુનિટીને સર્વિસ પૂરી પાડ્યા પછી એસબીઆઇ યુકે તેના કોર્પોરેટ, બિઝનેસ અને વ્યક્તિગત કસ્ટમર્સ માટે પ્રતિબદ્ધ છે તથા યુકેમાં આગામી 100 વર્ષ સુધી તેના ક્લાયન્ટની નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિ પૂરી પાડવા માટે આતુર છે.બીજી તરફ, બેંકે અલગથી જણાવ્યું હતું કે નવીનીકરણના કામો “હવે પૂર્ણતાને આરે છે” અને તે 4 એપ્રિલે લંડનમાં તેની ગોલ્ડર્સ ગ્રીન શાખા ફરીથી ખોલશે.મુંબઈમાં મુખ્યમથક ધરાવતી એસબીઆઈમાં ભારત સરકાર 56 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મુલ્ય સોમવાર તા. 14 સુધીમાં £43 બિલિયનનું માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે હતું.