યુકે સરકારે રવિવાર તા. 22ના રોજ નવો રાષ્ટ્રવ્યાપી એન્ટિબોડી સર્વેલન્સ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી  હતી. જે અંતર્ગત એક દિવસમાં 8,000 જેટલા કોવિડ-પોઝિટિવ લોકો માટે મફત હોમ એન્ટિબોડી ટેસ્ટ્સ ઉપલબ્ધ કરાવશે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી જે તે વ્યક્તિ કોવિડ-19ના રસીકરણ અને ચેપથી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે કે કેમ તે ચેક કરવા ફિંગર-પ્રિક ટેસ્ટ કરી આપશે. આ યોજના હેઠળ તા. 24થી NHS ટેસ્ટ અને ટ્રેસ સિસ્ટમ દ્વારા PCR કોવિડ-19 ટેસ્ટ બુક કરાવતી વખતે 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ એન્ટીબોડી ટેસ્ટ કરાવી શકશે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે  “અમારો નવો નેશનલ એન્ટિબોડી ટેસ્ટીંગ પ્રોગ્રામ ભાગ લેવા માટે ઝડપી અને સરળ હશે. જેનાથી લોકોને કોવિડ-19 સામેની પોતાની સ્થિતિની ખબર પડશે અને આપણે સાવધાનીપૂર્વક વધુ સામાન્ય જીવનમાં પાછા આવી શકીશું. યુકેના તમામ ભાગો આ નવી પહેલ માટે એક થયા છે.”

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે તે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ ટેસ્ટીંગ સેવાઓ સાથે મળીને કામ કરશે. તે ડેટાનો ઉપયોગ કોવિડ-19ના વિવિધ વેરિઅન્ટ્સ સામે રસીઓની અસરકારકતા વિશે વધુ સમજ આપશે. આ કાર્યક્રમ હજારો લોકો માટે શક્ય બનશે અને તે દર અઠવાડિયે રસી અને સારવારની અસરકારકતા અંગેના અભ્યાસમાં મદદ કરવાનું ચાલુ રાખશે. અભ્યાસમાં ભાગ લેવા રસ ધરાવતા પુખ્ત વયના તમામ લોકોને પ્રોત્સાહિત કરાશે. ભાગ લેનાર કોઈપણ વ્યક્તિએ પોઝીટીવ પીસીઆર ટેસ્ટ મેળવ્યા પછી શક્ય તેટલી વહેલી તકે પોતાનો પ્રથમ એન્ટિબોડી ટેસ્ટ કરાવવો જોઈએ. પ્રથમ ટેસ્ટ વ્યક્તિના વર્તમાન ચેપ પહેલાના એન્ટિબોડીઝનું સ્તર નક્કી કરશે અને બીજો ટેસ્ટ કોવિડ-19ના પોઝીટીવ ટેસ્ટના 28 દિવસ પછી કરાશે જે ચેપના પ્રતિભાવમાં પેદા થયેલ એન્ટિબોડીઝને માપશે. બે એન્ટિબોડી ટેસ્ટના પરિણામોની સરખામણી કરીને અભ્યાસ કરાશે.’’

જોકે એન્ટિબોડીઝ માટે પોઝીટીવ ટેસ્ટનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ કોવિડ-19 સામે રોગપ્રતિકારક છે.  માટે જ લોકોએ નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ. જો તેમને લક્ષણો જણાય તો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ અને જો તે પોઝીટીવ ટેસ્ટ જણાય તો સેલ્ફ આઇસોલેટ થવાનું રહેશે.

યુકેમાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે 16 અને તેથી વધુ ઉંમરના 87 ટકા લોકોએ તેમની પ્રથમ રસી અને 76 ટકા લોકોએ રસીની બીજી માત્રા મેળવી લીધી છે.