(Photo by Sgt. Samuel Ruiz / U.S. Marine Corps via Getty Images)

વડા પ્રધાન બોરિસ જોન્સને બુધવાર તા. 18ના રોજ નવી “બેસ્પોક” યોજના હેઠળ તાલિબાન શાસનમાંથી ભાગી રહેલા અફઘાન શરણાર્થીઓ, મુખ્યત્વે મહિલાઓ અને બાળકોના પુનર્વસનની યોજનાઓ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરી હતી.

હાલના સંકટને કારણે જોખમમાં મુકાયેલા અફઘાન નાગરિકોના પુન:સ્થાપનની યોજના 5,000 અફઘાન લોકોના સ્થાનાંતરણ સાથે ખુલશે અને આગામી વર્ષોમાં કુલ 20,000 શરણાર્થીઓને સ્થાનાંતરિત કરાશે. તેમાં મહિલાઓ અને છોકરીઓ તેમ જ ધાર્મિક અને અન્ય લઘુમતીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ જૂથના લોકો તાલિબાનના માનવાધિકાર અને અમાનવીય વ્યવહારનો સૌથી વધુ ભોગ બને છે.

વડા પ્રધાન જૉન્સને સંસદમાં અફઘાનિસ્તાન પર વિશેષ સત્ર માટે ચર્ચા શરૂ કરતાં કહ્યું હતું કે “અમે આ વર્ષે બીજા 5,000 અફઘાન નાગરિકોને યુકેમાં સ્થાનાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ભવિષ્યની શક્યતાઓ અંગે સમીક્ષા કરીશું અને લાંબે ગાળે 20,000 સુધી લોકોને સમાવવાનો પ્રયાસ કરીશું. અમે અમારા પુન:સ્થાપન કાર્યક્રમના ભાગ રૂપે અત્યાર સુધીમાં યુકેના 306 નાગરિકો અને 2,052 અફઘાન નાગરિકોને સલામત પરત લાવ્યા છીએ. વધુ 2,000 અફઘાન લોકોની અરજીઓ પૂર્ણ થઈ છે અને ઘણી પ્રોસેસ થઈ છે. સરકારે આ વર્ષે અફઘાનિસ્તાન માટેની માનવતાવાદી અને વિકાસ સહાયની રકમ બમણી એટલે કે નવા ભંડોળ સાથે, £286 મિલિયન સુધી કરવામાં આવી છે.’’

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કહ્યું હતું કે ‘’આ યોજનાની વિગતોને આખરી ઓપ આપવામાં થોડો સમય લાગશે અને સરકાર તમામ અવરોધોને દૂર કરવા કામ કરી રહી છે. યુકે સરકાર સતામણી કે જુલમનો સમાનો કરતા લોકો સાથે હંમેશા ઉભી રહેશે. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે એક રાષ્ટ્ર તરીકે અમે અફઘાનિસ્તાનથી ભાગી રહેલા સૌથી સંવેદનશીલ લોકોને મદદ કરવા શક્ય બધું કરી છૂટીશું.”

આ નવો રૂટ અફઘાન રિલોકેશન્સ એન્ડ આસિસ્ટન્સ પોલિસી (એઆરએપી) ઉપરાંતનો છે, જે ગંભીર ખતરો ધરાવતા વર્તમાન અથવા ભૂતપૂર્વ સ્થાનિક રીતે કાર્યરત કર્મચારીઓ માટે રચાયો છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને ઓળખીને તેમને ફરીથી વસાવવા માટે સિસ્ટમ વિકસાવવા કામ કરી રહ્યું છે. બોરિસ જૉન્સન આગામી દિવસોમાં યુકેના જી 7 પ્રમુખપદના ભાગરૂપે જી 7 નેતાઓ સાથે આ મુદ્દે વર્ચ્યુઅલ મીટિંગમાં ચર્ચા કરે તેવી અપેક્ષા છે.