વેસ્ટ સસેક્સના ક્રૉલી ખાતે આવેલ ગુર્જર હિન્દુ યુનિયન – સનાતન મંદિરને વોલંટીયરીંગ સેવાઓ માટે ક્વીન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જે યુકેમાં કોઇ પણ વોલંટીયરીંગ જૂથને મળતો સૌથી ઉચ્ચતમ એવોર્ડ છે.

ગુર્જર હિન્દુ યુનિયન ભારતીય સમુદાયની જરૂરિયાતોની સેવા કરે છે અને તેના સભ્યોને સમાજમાં અસરકારક રીતે એકીકૃત થવા મદદ કરે છે. આ જૂથ બાળકો, યુવાનો અને વૃદ્ધો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને હિન્દુ સમુદાય માટે કૌશલ્યની તાલીમ આપવા ઉપરાંત હિન્દુ અને વિશાળ સમુદાયને સાંસ્કૃતિક અને સહાયક સેવાઓ પ્રદાન કરે છે.

આ વર્ષના અંતમાં, GHU વેસ્ટ સસેક્સના લોર્ડ-લેફ્ટનન્ટ શ્રીમતી સુસાન પાઇપર પાસેથી તેમનો એવોર્ડ્સ મેળવશે. આ જૂથમાંથી બે સ્વયંસેવકો 2022માં બકિંગહામ પેલેસ ખાતે યોજાનાર ગાર્ડન પાર્ટીમાં પણ ભાગ લેશે.

લોર્ડ-લેફ્ટનન્ટ શ્રીમતી સુસાન પાઇપરે જણાવ્યું હતું કે ‘’હું ગુર્જર હિન્દુ યુનિયનને મારા હાર્દિક અભિનંદન આપવા માંગુ છું. ગયા વર્ષના પડકારોએ દેશભરમાં સ્વૈચ્છિક ક્ષેત્ર પર ભારે દબાણ બનાવ્યું છે, અને અહીં વેસ્ટ સસેક્સમાં આપણે અસંખ્ય જૂથો અને વ્યક્તિઓને બીજાઓને મદદ કરવા તેમનો સમય અને કુશળતા આપતા જોયા છે. ગુર્જર હિન્દુ યુનિયન માટે આ એવોર્ડ પ્રશંસનીય છે અને મને આશા છે કે તેમની ઉપલબ્ધિઓ અન્ય વોલંટીયરીંગ જૂથોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકન કરવા માટે પ્રોત્સાહિત કરશે.’’

સમગ્ર યુકેમાં 241 ચેરિટીઝ, સામાજિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક જૂથોને આ વર્ષે આ એવોર્ડ મળ્યો છે. નામાંકનની સંખ્યા દર વર્ષે ઉંચી રહે છે, તે બતાવે છે કે સ્વૈચ્છિક ક્ષેત્ર વિકસિત થઈ રહ્યું છે અને આસપાસના લોકો માટે જીવન વધુ સારું બનાવવા માટે નવીન વિચારોથી ભરપૂર છે. વિજેતાઓની જાહેરાત દર વર્ષે 2 જૂને, રાણીના રાજ્યાભિષેકની વર્ષગાંઠ પર કરવામાં આવે છે.