(Photo by Ben Pruchnie/Getty Images)

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ શરુ થયેલી તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તેની તપાસમાં નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસની તપાસમાં સોમવારે બોલિવૂડ અભિનેતા અર્જૂન રામપાલના મુંબઈ ખાતેના નિવાસસ્થાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દરોડા પાડ્યા છે. મુંબઈમાં અંધેરી, ખાર અને બાંદ્રા સહિતના ત્રણ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. એનસીબીની એક ટિમે અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર NCBને સૂચના મળી હતી કે અર્જુન રામપાલના ઘરે ડ્રગ્સ છે.

NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓના નામ પણ સામે આવ્યા છે. આ પહેલા NCBએ ડ્રગ્સ રાખવા અને તેના વેચાણ કરવાના અપરાધમાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબીએલા ડ્રિમેટ્રીએટ્સના ભાઇ અગિસિયાલોસને ફરી વખત અટકાયતમાં લીધો હતો. ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝ્યુકેટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની પણ અટકાયત કરી છે.

NCBએ રવિવારે બોલિવૂડ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ દરોડા પણ ડ્રગ્સ કેસ સાથે જ જોડાયેલા હતા. એવા પણ સમાચાર છે કે ફિરોજના ઘરેથી NCBને નશીલા પદાર્થનો જથ્થો મળ્યો હતો.