બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં નિર્દોષ છૂટ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આર્યન અને અન્ય પાંચ લોકોના નામનો ક્લીન ચિટ આપવામાં આવી છે, તેમના નામ ચાર્જશીટમાં નથી. આ કેસની તપાસ કરી રહેલી ખાસ ટીમને આર્યન વિરુદ્ધ પુરાવા મળ્યા નથી. પુરાવાના અભાવે ચાર્જશીટમાં જે લોકોના નામ સામેલ નથી, તેમાં આર્યન ખાન સિવાય અવિન સાહુ, ગોપાલ જી આનંદ, સમીર સાયગન, ભાસ્કર રોડા અને માનવ સિંઘલનો સમાવેશ થાય છે.
NCBએ આ કેસમાં છ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 14 આરોપીઓના નામ છે. આર્યન ધરપકડ કરાયેલા 20 લોકોમાંથી એક હતો, જેનું નામ આરોપીઓમાં સામેલ નથી. આ કેસમાં તપાસ એજન્સી નિર્ધારિત સમયની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યારબાદ કોર્ટે તેને માર્ચમાં બે મહિનાનો વધારાનો સમય આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબર 2021ના રોજ NCB દ્વારા મુંબઇમાં કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. NCBને ક્રુઝ શિપ પર રેવ પાર્ટીની માહિતી મળી હતી. આ પછી ક્રુઝ શિપમાંથી આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરીને બીજા દિવસે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ તમામ લોકો અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી અત્યારે જેલમાં છે. આ કેસમાં આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો.