કોમ્પીટીશન એન્ડ માર્કેટ ઓથોરીટી (CMA)એ જણાવ્યું છે કે ઇસા ભાઈઓ અને ખાનગી ઇક્વિટી કંપની ટીડીઆર કેપિટલ દ્વારા આસ્ડાનું ટેકઓવર કરવાથી દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલની કિંમત ઉંચી થઈ શકે છે.

£6.8 બિલીયનના આ સોદા અંગે પ્રથમ તબક્કાની પ્રારંભિક તપાસના તારણોની ઘોષણા કરતા, સીએમએ દ્વારા ઇસા ભાઈઓ અને ટીડીઆર કેપિટલને 5 કાર્યકારી દિવસોમાં સ્પર્ધાની ચિંતાને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું.

સીએમએના સિનિયર ડિરેક્ટર જોએલ બેમફોર્ડે જણાવ્યું હતું કે “અમારું કામ એ ખાતરી કરીને ગ્રાહકોનું રક્ષણ કરવાનું છે કે પેટ્રોલ સ્ટેશનો વચ્ચે મજબૂત સ્પર્ધા ચાલુ રહે, જેનાથી પંપની કિંમતો ઓછી થાય. માર્કેટમાં આ બે ચાવીરૂપ ખેલાડીઓ છે, અને તે મહત્વનું છે કે અમે આ સોદાનું સંપૂર્ણ વિશ્લેષણ કરીએ. અમને ચિંતા છે કે આ મર્જરથી યુકેના અમુક ભાગોમાં વાહનચાલકોને પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતો તરફ દોરી શકે છે. જો કંપનીઓ અમારી ચિંતાઓને દૂર કરવા માટે કોઈ સ્પષ્ટ સમાધાન આપી શકે, તો અમે ઉંડાણપૂર્વકના બીજા તબક્કાની તપાસ હાથ ધરીશું નહીં.”

ઇસા બંધુઓ અને ટીડીઆર કેપિટલ પાસે ઇજી ગ્રૂપ પણ છે, જે યુકેમાં 395 પેટ્રોલ સ્ટેશનોનું અને આસ્ડા 323 પેટ્રોલ સ્ટેશનોનું સંચાલન કરે છે. ઇસા ભાઈઓ અને ટીડીઆર કેપિટલે કહ્યું હતું કે તેઓ તપાસના આગલા તબક્કાના સંદર્ભને ટાળવા માટે નિયમનકાર સાથે કામ કરશે.