બત્રીસ પકવાન અને વાનગીઓના રસથાળની આપણે વાતો તો ઘણી સાંભળી છે. કેટલાકે સોશ્યલ મિડીયા પર તેના વિડીયો પણ જોયા હશે. પરંતુ નોર્થ ઇંગ્લેન્ડના એશ્ટન અંડર લાઇનમાં આવેલી  લિલી’ઝ વેજીટેરિયન ઇન્ડિયન કુઝીનમાં મળતી લગભગ 7 કિલો વજનનું ભોજન ધરાવતી 24 ઇંચની થાળીમાં મળતી અવનવી ભારતીય ખાદ્ય વાનગીઓને હજુ સુધી કોઇ એક વ્યક્તિ સંપૂર્ણપણે ખાઇ શક્યો નથી.

ભારતીય શાકાહારી રેસ્ટોરન્ટ લિલી’ઝ વેજીટેરિયન ઇન્ડિયન કુઝીને ગયા અઠવાડિયે ગ્રાન્ડ થાલી ચેલેન્જ શરૂ કરી હતી. £35માં મળતી આ થાળીનો ઓર્ડર કરનાર વ્યક્તિએ અવનવી વાનગીઓ ઉપરાંત લસ્સી, પીણાં અને મીઠાઈઓ સહિતનું ભોજન પૂર્ણ કરતા એક કલાકનો સમય લાગે તેમ છે. લીલી’ઝની ધ વીગન ગ્રાન્ડ થાલીમાં છ અલગ અલગ પ્રકારના શાક, બે દાળ અને ત્રણ પ્રકારના ભાત સાથે સમોસા, બટાટા વડા, ચાટ, નાન અને પુરી પીરસવામાં આવે છે.

પરિવાર દ્વારા સંચાલિત આ રેસ્ટોરન્ટના એક સંચાલક પારૂલ ચૌહાણે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, ‘’ અમે થોડી વધુ ઉત્તેજના લાવવા અને કંઈક અલગ કરવા માંગતા હતા. ગયા અઠવાડિયે ત્રણ જણાએ આ આખી થાળી ખાવાનો પડકાર ઝડપી લીધો હતો. જેમાં વિખ્યાત યુ-ટ્યુબર કાયલ ગિબ્સન માત્ર બે લીલા તીખા મરચા સિવાય આખી થાળી ખાવામાં સફળ રહ્યો હતો. તેને મીઠી અને ખારી લસ્સી ભાવી ન હતી. પણ ચેલેન્જ પૂરી કરવા માટે તે લસ્સી ગટગટાવી ગયો હતો. જો કે તેના માટે શાકાહારી ભોજન પચાવવા માટે અસાન રહ્યું હતું. આગામી સપ્તાહમાં બીજા 3 લોકો હજુ આખી થાળી ખાવાનો પ્રયત્ન કરવા લાઇનમાં છે. અમે £35માં ચેલેન્જ તરીકે થાળી આપીએ છીએ. પણ તે પોસાય તેવું નથી. ભવિષ્યમાં આ થાળી શેરીંગ તરીકે આપવી કે કેમ તેનો વિચાર કરીએ છીએ.’’

પારૂલે જણાવ્યું હતું કે, “અમે 2018માં અહીં રેસ્ટોરંટની શરૂઆત કરી ત્યારે અમે માત્ર ગુરૂવારે અનલિમિટેડ થાળી આપતા હતા અને લોકો જેટલી વખત માંગે તેટલી વખત વાનગીઓ પીરસતા હતા. પરંતુ અત્યારે તે બંધ કરાયું છે. અમારી હાલની મહાકાય થાળીને ખાવાનો પડકાર સ્વીકારવા માંગતા લોકો તેમનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પણ મોટેભાગે તે શક્ય બનતું નથી. ખાસ તો લોકો અમારા વિવિધ પ્રકારના વ્યંજનો અને વાનગીઓનો ટેસ્ટ કરે છે.”

પારૂલે જણાવ્યું હતું ‘’1970ના અરસામાં અમે નાઇરોબી, કેન્યાથી યુકે આવ્યા હતા. લીલી’ઝની સ્થાપના 1972માં મારા પિતા પીજી સચદેવ અને માતા  શ્રીમતી લીલાવતી સચદેવ દ્વારા કરવામાં આવી હતી. પીજી પ્રેમથી મારી મમને લીલી કહેતા હતા. લીલી જાતે બનાવેલ ખાણીપીણીના વાનગીઓ, ફરસાણ વગેરે કોટન સ્ટ્રીટ ઇસ્ટ, એશ્ટન-અંડર-લાઇનની નાની દુકાનમાં વેચતા હતા. તે વખતે અમારી દુકાન સિનેમાની સામે હતી અને ભારતીય હિન્દી ફિલ્મો જોવા આવતા લોકો મારા મમનું બનાવેલ ફરસાણ એન્જોય કરતા હતા. અમારા પારિવારિક બિઝનેસમાં મારા ભાઇઓ હરીશ અને રાજેશ તેમજ પરિવારના અન્ય સભ્યો જોડાયા હતા, જેને પરિણામે વેપાર સમૃદ્ધ થયો હતો. કમનસીબે લીલી રેસ્ટોરન્ટની સ્થાપના પહેલા મારા મમ લીલાવતીબેન ગુજરી ગયા હતા પણ તેમની યાદમાં પરિવારે રેસ્ટોરન્ટનું નામ લીલી’ઝ રાખ્યું છે.’’

પારૂલે જણાવ્યું હતું કે ‘’પહેલા અમે નાની કેફે ચલાવતા હતા. પરંતુ મોટી રેસ્ટોરંટ કરવાનો આઇડીયા મારા ભત્રીજા પ્રિતુલનો હતો. 2018થી અમે 80 લોકોને સમાવતી રેસ્ટોરંટ સંભાળીએ છીએ. જેમાં બન્ને ભાઇઓ, હું, મારા બન્ને ભત્રીજા, તેની પત્ની સહિતનો વિશાળ પરિવાર શેફ અને અન્ય સ્ટાફની મદદથી રેસ્ટોરંટ સંભાળીએ છીએ.’’

લીલી’ઝ થોડા વર્ષોથી ટ્રીપ એડવાઇઝરમાં પ્રથમ સ્થાને આવે છે અને 5 વર્ષથી ‘ગુડ ફૂડ ગાઇડ’માં પસંદગી પામે છે. માન્ચેસ્ટર ફૂડ એન્ડ ડ્રિંક ફેસ્ટિવલ (2018) માં બેસ્ટ વેજીટેરિયન ઓફરિંગ એવોર્ડ અને  માન્ચેસ્ટર ફૂડ એન્ડ ડ્રિંક ફેસ્ટિવલ (2019)માં બેસ્ટ નેબરહૂડ રેસ્ટોરન્ટ અને MEN દ્વારા ગ્રેટર માન્ચેસ્ટરમાં બેસ્ટ વેજિટેરિયન રેસ્ટોરન્ટનો એવોર્ડ એનાયત થયો હતો.