ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ((Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી રહ્યો તેવામાં કઈ જ્ઞાતિને ઓબીસીનું સ્ટેટસ આપવું તેને લઈને વિજય રૂપાણી સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 2017માં વિધાનસભાની થયેલી ચૂંટણી વખતે જ શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને જોરદાર ફટકો પડ્યો હતો. પક્ષ તે વખતે માત્ર 99 બેઠકો જીતી શક્યો હતો, અને સામે પક્ષે કોંગ્રેસને જોરદાર ફાયદો થયો હતો અને તેને 77 બેઠકો મળી હતી.

માત્ર પાટીદાર આંદોલન જ નહીં, ગુજરાતમાં અન્ય જ્ઞાતિઓ પણ પોતાને ઓબીસીમાં સમાવવામાં આવે તેવી માગણી કરીને સરકાર પર દબાણ વધારી રહી છે. ભાજપને હાલ એ વાતની ચિંતા સતાવી રહી છે કે આ કારણે 2022માં થનારી ચૂંટણીમાં તેને અસર પડી શકે છે. ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારે ખરડો પસાર કરતાં જ ગુજરાતમાં તમામ ઓબીસી જ્ઞાતિઓનો નવેસરથી સરવે કરવાની સાથે જનરલ કેટેગરીમાં આવતી પછાત જ્ઞાતિઓને ઓબીસીનું સ્ટેટસ આપવાની માગ સરકાર સમક્ષ મૂકી દીધી છે. બીજી તરફ, પાટીદારો, બ્રાહ્મણો, રાજપૂતો અને વણીકો પણ 2015થી પોતાને ઓબીસીમાં સમાવવાની માગ કરી રહ્યા છે. હવે નવા ડેવલપમેન્ટ બાદ તેઓ પણ ફરી સક્રિય બને તેવા પૂરા અણસાર છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. હાર્દિકે પાટીદાર, બ્રાહ્મણ, વણીક સહિતની જનરલ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવાય તેવી માગ સાથે સમગ્ર રાજ્યમાં સરવે કરાવવા માટેની માગણી કરી છે. જેમાં હાલ ઓબીસીમાં સામેલ 148 જ્ઞાતિઓનો ફેરસરવે કરવાની માગ પણ સામેલ છે.

ભાજપના ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે દરેક વર્ગને સરકાર સમક્ષ પોતાની માગ મૂકવાનો હક્ક છે. કોઈ જ્ઞાતિને ઓબીસીમાં મૂકવી કે નહીં તેનો આખરી નિર્ણય સરકાર યોગ્ય કાર્યવાહીના અંતે લેશે. આ સમયે સંગઠનમાં આ બાબતને લઈને કોઈ અલગ દ્રષ્ટિકોણ નથી. શું સરકાર ચૂંટણી પહેલા પાટીદારો તેમજ અન્ય સવર્ણ જ્ઞાતિઓને અનામત આપવાની જાહેરાત કરશે કે કેમ તે સવાલનો જવાબ આપતા પાટીલે જણાવ્યું હતું કે, તેના માટે આંદોલન પણ થયું હતું જે નિષ્ફળ રહ્યું. સરકારે તમામ જ્ઞાતિઓની તમામ સમસ્યા પર ધ્યાન આપ્યું છે, અને ભવિષ્યમાં પણ આપતી રહેશે. જોકે, હાલ પક્ષના આ અંગે વ્યક્ત કરવા માટેના કોઈ વિચાર નથી.