પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મજબૂત આર્થિક વૃદ્ધિ અને ઓપરેશન સિંદૂરની સફળતા આધારિત લશ્કરી ક્ષમતાને પગલે ભારતે એશિયામાં અગ્રણી શક્તિશાળી દેશ અથવા મેજર પાવરનો દરજ્જો હાંસલ કર્યો છે. એશિયા પાવર ઇન્ડેક્સ-2025માં અમેરિકા અને ચીન પછી જાપાનને પાછળ રાખીને ભારતે ત્રીજો ક્રમે હાંસલ કર્યો છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાન છેક 16મા સ્થાને રહ્યું છે.

ઇન્ડેક્સ જારી કરતી ઓસ્ટ્રેલિયા સ્થિત થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે 2024ના એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારત 38.1 પોઇન્ટ્સ સાથે મિડલ પાવરનું રેન્કિંગ ધરાવતું હતું, હવે આ સ્કોર 40 થયો છે અને ભારતે મેજર પાવરનો દરજ્જો હાંસલ કર્યો છે. ઇન્ડેક્સમાં 80.5 પોઇન્ટ્સ સાથે અમેરિકા પ્રથમ અને 73.7 પોઇન્ટ્સ સાથે ચીન બીજા ક્રમે રહ્યું છે. 38.8 પોઇન્ટ્સ સાથે જાપાન હવે ચોથા ક્રમે આવી ગયું છે.

આર્થિક ક્ષમતા અને ભવિષ્યના સંસાધનો આધારિત બે માપદંડોમાં ભારત ત્રીજા સ્થાને આવ્યું છે. આર્થિક ક્ષમતામાં જાપાનને પાછળ રાખી ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. વિદેશી રોકાણમાં વધારાને કારણે ભારત આર્થિક સંબંધોમાં નવમા સ્થાને પહોંચી ગયું છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે એશિયા પાવર ઇન્ડેક્સના 2025માં ભારતની આર્થિક અને લશ્કરી ક્ષમતાઓમાં વધારો થયો છે. ભારતની લશ્કરી ક્ષમતામાં પણ સતત સુધારો થયો છે. ભારતનું અર્થતંત્ર મજબૂત રીતે વિકસતું રહ્યું છે અને તેના ભૂ-રાજકીય પ્રભાવમાં પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય પ્રભાવ, કનેક્ટિવિટી અને ટેકનોલોજીના આધારે ભૂ-રાજકીય પ્રભાવ નિર્ધારિત કરવામાં આવે છે. લશ્કરી ક્ષમતામાં વધારો નિષ્ણાત મૂલ્યાંકન આધારિત છે, જેમાં મે 2025માં શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતાથી નિષ્ણાતો પ્રભાવિત થયા હતાં. આ ઓપરેશનથી ભારતના તાજેતરના યુદ્ધ અનુભવમાં થયો છે.

ભારતનું સૌથી નબળું પાસુ સંરક્ષણ નેટવર્ક છે, જ્યાં દેશ 11મા ક્રમે છે. અગાઉના વર્ષની તુલનાએ સંરક્ષણ નેટવર્કમાં ભારતના પોઇન્ટ્સ ઘટ્યાં છે અને ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ ભારતથી આગળ આવી ગયાં છે. જોકે રાજદ્વારી સંબંધો અને વિદેશી રોકાણ લાવવામાં ભારતના પ્રભાવમાં વધારો થયો છે.

 

LEAVE A REPLY