યુકેમાં હાલના કોરોના વાઈરસના રોગચાળામાં સામાન્ય નાગરિકોથી લઈને ડોકટર્સ, હેલ્થ કેર તેમજ સોશિયલ કેર વર્કર્સ, ટ્રાન્સપોર્ટ વર્કર્સ વગેરેમાં રોગનો ભોગ બનતા તેમજ મૃત્યુ પામતા લોકોમાં એશિયન અને બ્લેક તેમજ લઘુમતી સમુદાયના લોકોનું પ્રમાણ ઘણું જ વધારે રહ્યું છે, તેની પાછળના કારણો શું છે તે જાણવા અને આ સ્થિતિ નિવારવા, આ સમુદાયના લોકોને વધુ સલામત બનાવવા જરૂરી પગલાં માટે વ્યાપક માંગણી પછી સરકારે આખરે તપાસના આદેશો આપ્યા છે.

બીજી તરફ, એનએચએસ સ્ટાફને પુરતા પ્રમાણમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ – PPE નહીં મળતી હોવાની વ્યાપક ફરીયાદ પછી સરકારે એવી સલાહ પણ આપી છે કે, હેલ્થકેર વર્કર્સે PPEનો ઉપયોગ સમજી વિચારીને, જેમના માટે અતિશય જરૂરી હોય તેમના માટે જ કરવા અને શક્ય હોય ત્યાં એ જ સાધનોનો ધોઈ, સાફ કરીને, ડિસિન્ફેક્ટ કરીને ફરીથી ઉપયોગ કરવાની સલાહ આપી છે.

લંડનના મેયર અને લેબર પાર્ટીના નેતા સાદિક ખાને માંગણી કરી છે કે, કોરોનાના રોગચાળામાં ચેપગ્રસ્ત હોય અને હોસ્પિટલમાં દાખલ કરાયા હોય કે પછી મૃત્યુ પામ્યા હોય તેવા લોકોની વંશીય વિગતો સરકારે નિયમિત રીતે જાહેર કરવી જોઈએ. ગયા સપ્તાહે કેટલાય અગ્રણીઓએ કોરોનાના રોગચાળામાં એશિયન, બ્લેક સમુદાયના લોકો સૌથી વધારે બિમાર પડે છે કે મૃત્યુ પામે છે તે બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ તેવી માંગણી કરી હતી.

તો લેબર નેતા અને લંડનના મેયર સાદિક ખાને એવી માંગણી કરી છે કે, દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના અસરગ્રસ્તોની વંશીય ધોરણે માહિતી પણ સરકારે નિયમિત રીતે જાહેર કરવી જોઈએ. સાદિક ખાને તો દેશમાં અને લંડનમાં દુનિયાના અન્ય દેશોની માફક બહાર નિકળતા લોકો માટે ફેસ માસ્ક ફરજિયાત કરવાની ભલામણ પણ કરી છે.
10, ડાઉનિંગ સ્ટ્રીટના આદેશ મુજબ એનએચએસ અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ કોરોનાના ચેપનો ભોગ બનવામાં તેમજ તેના કારણે મૃત્યુ પામેલા કેર વર્કર્સમાં એશિયન તથા બ્લેક સમુદાયના લોકો અપ્રમાણસર રીતે વધુ હોવા અંગે તપાસ કરશે.

યુ.કે. સરકારની કોરોના વાઈરસથી પ્રભાવિત દરેકની વંશીયતા વિષેની માહિતી નિયમિતપણે એકત્રિત કરી પ્રકાશિત કરવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ, જેથી આપણે આ અંગેની ચિંતાઓ સમજીને તેના ઉપર કાર્ય કરી શકીએ એમ લંડનના મેયર સાદિક ખાને જણાવ્યુ હતુ. તાજેતરના અધ્યયનમાં યુકેની હોસ્પિટલોમાં એશિયન, બ્લેક અને લઘુમતી વંશીય (BAME) સમુદાયોના લોકોનું પ્રમાણ કોરોના વાઈરસના કારણે ગંભીર રીતે બિમાર થયેલા દર્દીઓમાં ત્રીજો ભાગનું છે.

સાદિક ખાને જણાવ્યુ હતુ કે “BAME સમુદાયોમાં અપ્રમાણસર મૃત્યુને લગતી સૌથી મોટા પરિબળોમાંનું એક કારણ સામાજિક-આર્થિક છે. ઘણા પાસે લોકડાઉન દરમિયાન ઘરેથી સુરક્ષિત રીતે કામ કરવાની સુવિધા નથી. વળી તે લોકોમાં સરેરાશ હૃદયરોગ, અસ્થમા અને ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ પણ વધુ જોવા હોય છે. એનએચએસમાં આશરે 40 ટકા ડોકટરો અને 20 ટકા નર્સીસ BAME સમુદાયના છે અને લંડનમાં તો સોશ્યલ કેર ક્ષેત્રે કામ કરતા 67 ટકા પુખ્ત વયના લોકો આ સમુદાયના છે.

તેને લીધે તેમને માટે કોરોના વાઈરસનો ભોગ બનવાનુ મોટું જોખમ રહે છે.’’ખાને BAME સમુદાયોના લોકો COVID-19ના કારણે અપ્રમાણસર અસર પામી રહ્યા છે તે અંગેની સમીક્ષા શરૂ કરવાની સરકારની ઘોષણાને આવકારી હતી. ખાને એક નવો સામાજિક કરાર બનાવવાની અપીલ કરી હતી જે વંશીય અને આર્થિક સમાનતાના બે કારણોને આગળ વધારે અને દેશના દરેક સમુદાયના કલ્યાણ અને સુખાકારીને પ્રાધાન્ય આપે.

સાદિક ખાને લંડનની મુસાફરી દરમિયાન ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવાની સરકારને વિનંતી કરતો પત્ર ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સને લખી જણાવ્યું હતું કે ‘યુકે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયથી પાછળ છે. વિશ્વભરના પુરાવા બતાવે છે કે ચહેરા પર માસ્ક પહેરવાથી કોરોના વાઈરસનો ફેલાવો રોકવાનું અસરકારક બને છે.’

15 લંડન બસ કર્મચારીઓ સહિત 21 પરિવહન કામદારો કોવિડ-19થી મૃત્યુ પામ્યા છે. ખાને કહ્યું હતુ કે ”ઘણાંએ પી.પી.ઇ. માંગ્યા છે અને અમે ચિંતાઓને દૂર કરવા માટે ટ્રેડ યુનિયનો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પી.પી.ઇ.ના પુરવઠાની તંગી છે પરંતુ મેં TFL ને પરિવહન કામદારો માટે પી.પી.ઇ સ્ટોકની ઉપલબ્ધતા પર ધ્યાન આપવા કહ્યું છે.”