• સરવર આલમ દ્વારા

બેન્ક ઓફ ઈંગ્લેન્ડની (BoE) મોનેટરી પોલિસી કમિટીના સભ્ય ડૉ. સ્વાતિ ઢીંગરાએ ગયા બુધવારે તા. 22ના રોજ એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં પેનલ ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે ‘’યુકેના બિઝનેસીસ પાસે ભાવિ વૃદ્ધિ માટે “આશાવાદી” હોવાના પૂરતાં કારણો છે અને હું  માનુ છું કે યુકે “ફુગાવા અને કોસ્ટ ઓફ લીવીંગ કટોકટીની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયું છે. આગામી પાંચથી સાત વર્ષમાં દેશ વૃદ્ધિ તરફ પાછો ફરશે.”

ડૉ. ઢીંગરા સાથે આ ચર્ચામાં વાઇટાબાયોટિક્સના સીઇઓ તેજ લાલવાણી, ઓકનોર્થ બેંકના સીઇઓ ઋષિ ખોસલા અને હોટેલિયર સુરિન્દર અરોરા સાથે વાત કરી હતી.

ડૉ. સ્વાતિ ઢીંગરાએ કહ્યું હતું કે “આપણે લગભગ બે પેઢીઓમાં જોયો છે તેવો આ એક સૌથી મોટો આંચકો છે, જેમાંથી સંપૂર્ણ રીતે બહાર આવવામાં સમય લાગશે. વ્યાજ દરના સૌથી ઝડપી અને સૌથી તીવ્ર ચક્રની લગભગ અડધી અસર હજુ પણ આવવાની બાકી છે. તેનો અર્થ એ પણ છે કે ફુગાવા પરની અસર હજુ પણ આવવાની બાકી છે. આશા છે કે કોસ્ટ ઓફ લીવીંગ કટોકટીનો ખર્ચ ઓછો થશે, પરંતુ આવતા વર્ષ દરમિયાન તેની ધીમી વૃદ્ધિ થશે.”

ડૉ. ઢીંગરાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને રિઝોલ્યુશન ફાઉન્ડેશન સાથેના તેમના કામ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘’યુકે લગભગ બે દાયકાની સ્થગિત સ્થિતીમાંથી રીકવરી કરશે. અમે એક નીતિ ઘડી રહ્યા છીએ જે એક વ્યાપક આર્થિક મોડેલિંગ છે અને તે ખાતરી કરે છે કે વ્યવસાયોને દેશમાં રોકાણ કરવા માટે સ્થિરતા અને કારણ મળે. વિવિધ રાજકીય પક્ષોએ પ્રોજેક્ટ માટે તેમના વિચારો દાખલ કરવાનું શરૂ કર્યું છે. હું ડેટા જોઇ પ્રોત્સાહિત થઇ છું, જે દર્શાવે છે કે આપણે કેટલીક બાબતોમાં ખૂબ સારા છીએ. જેમ કે યુકે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું સર્વિસીસ એક્સપોર્ટર છે અને તે ખરેખર વૈશ્વિક અર્થતંત્રની દ્રષ્ટિએ આપણા વજનથી ઉપર છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’ગયા અઠવાડિયે ઓટમ સ્ટેટમેન્ટમાં, ચાન્સેલર જેરેમી હન્ટે કામદારો માટે ટેક્સમાં કાપની જાહેરાત કરી હતી અને અર્થતંત્રને ઝડપી બનાવવાના પ્રયાસમાં બિઝનેસીસને કાયમી રોકાણ પ્રોત્સાહનો આપ્યા હતા. જેમાં બિઝનેસ ટેક્સ બ્રેક એક કેપિટલ એલાઉન્સ સ્કીમ છે જે કંપનીઓને તેમના કરપાત્ર નફામાંથી ક્વોલિફાઇંગ પ્લાન્ટ અને મશીનરીની કિંમતના 100 ટકા બાદ કરવાની મંજૂરી આપે છે. OBR ની આગાહી અનુસાર, આ પગલાથી વાર્ષિક વ્યાપાર રોકાણમાં વાર્ષિક આશરે £3 બિલિયનનો વધારો થશે. હન્ટે એપ્રિલથી સ્ટેટ પેન્શનમાં પણ 8.5 ટકાનો વધારો કર્યો અને કહ્યું કે યુનિવર્સલ ક્રેડીટ 6.7 ટકા વધશે.’’

યુકેની સૌથી મોટી વિટામીન કંપની વાઇટાબાયોટિક્સના સીઈઓ તેજ લાલવાણીએ કહ્યું હતું કે “આ ક્ષણે આપણા બધા માટે મુશ્કેલ સમય છે, તે કેટલાક લોકોને અન્ય કરતા વધુ સખત અસર કરે છે, પરંતુ મને આશા છે કે સરકાર જે કરી શકે તે કરવાનો પ્રયાસ કરી રહી છે. આ રાતોરાત ઠીક થવાનું નથી. લોકોએ સમજવાની જરૂર છે કે બાબતો વધુ સારી થાય તે પહેલા તેને ઘણો સમય લાગશે.”

ઓકનોર્થ બેંકના સીઇઓ ઋષિ ખોસલાએ જણાવ્યું હતું કે ‘’ગયા વર્ષના ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ સરકાર દ્વારા રજૂ કરાયેલ ઓટમ સ્ટેટમેન્ટે યુકેના અર્થતંત્રને વિનાશક અસર કરી હતી. તે વખતે અમે ખૂબ જ ‘ઉત્તેજીત’ હતા પણ આ વખતે તેવું નથી તે દેશ માટે આશીર્વાદ સમાન છે. આ વખતનું ઓટમ સ્ટેટમેન્ટ અતિ સારું હતું. બિઝનેસની વૃદ્ધિને વેગ આપવા માટેના પગલાં – વિચારશીલતા ખૂબ જ મજબૂત છે. તે સ્થિરતા લાવશે અને બિઝનેસીસ માટે સકારાત્મક છે.’’

અરોરા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન હોટેલિયર અરોરા પણ ઓટમ સ્ટેટમેન્ટના પરિણામે ભવિષ્ય વિશે આશાવાદી હતા. તેમણે કહ્યું હતું કે બ્રિટન “સાચી દિશામાં આગળ વધી રહ્યું છે”.

અરોરા ગ્રુપ યુકેમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે અને તાજેતરમાં જ ઝેનપ્રોપ પાસેથી લંડનમાં હેથ્રોપ સાઇટ ખરીદી છે. કેન્સિંગ્ટન હાઇ સ્ટ્રીટની થોડી જ દૂર 2.7 એકરની સાઇટ પર હાલમાં 320,000 ચોરસ ફૂટ વિસ્તારમાં 142-એપાર્ટમેન્ટ સિનિયર લિવિંગ સ્કીમ માટે સંમત થયા છે.

અરોરા ગ્રૂપ 7,000થી વધુ હોટેલ રૂમ અને £2 બિલિયનથી વધુની રકમની સંપત્તિઓનું નિયંત્રણ કરે છે. જે હાલના યુઝમાં ફેરફારની માંગ કરે તેવી અપેક્ષા છે.

અરોરાએ કહ્યું હતું કે “અમે 2008ની નાણાકીય કટોકટીમાંથી શીખ્યા છીએ. તે સમયે, અમે ખરેખર લેન્ડર્સ સાથે ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. મારી સ્વર્ગસ્થ મમ્મી કહેતી હતી કે કેટલાક ભૂલો કરે છે, અને પછી અન્ય લોકો તેમની પાસેથી શીખે છે.”

શ્રી અરોરાએ સાથી પેનલ સભ્ય ઋષિ ખોસલાની સરાહના કરતાં કહ્યું હતું કે “હું ઋષિને એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં પ્રથમ વખત આ જ રૂમમાં મળ્યો હતો. તેમણે ઓકનોર્થ શરૂ કરી હતી. થોડા અઠવાડિયા પછી અમારી ટીમો મળી અને તેમણે કહ્યું કે ‘તમારે અમારી સાથે બિઝનેસ કરવો જોઈએ. પછી મેં અમારા CFOને કહ્યું હતું કે મને ખરેખર કંઈક અલગ દેખાય છે અને મને લાગે છે કે આપણે કંપનીમાં રોકાણ કરવું જોઈએ. મેં સામાન્ય ‘હિન્દુસ્તાની’ વાત કરી, ‘વ્યાજ દર શું છે, શું ચાર્જીસ છે?’ મેં કહ્યું ‘તમે બહુ મોંઘા છો, રસ નથી’. મેં મારા CFO ને પછીથી એક જ વાત કહી હતી કે, ‘મને આ માણસમાં ખરેખર કંઈક અલગ દેખાય છે, મને લાગે છે કે આપણે કંપનીમાં રોકાણ કરવું જોઈએ’. અમે અમારી પ્રથમ ડીલ લગભગ ત્રણ કે ચાર વર્ષ પહેલા કરી હતી અને અમે આજે પણ સાથે કામ કરી રહ્યા છીએ.’’

LEAVE A REPLY

1 × five =