મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 73.72 ટકા મતદાન થયું હતું, જ્યારે છત્તીસગઢમાં બીજા અને અંતિમ તબક્કામાં 70 બેઠકો માટે 71 ટકાથી વધુ મતદાન થયું હતું. છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 72 બેઠકો પર 76.62 ટકા મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે.

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને તેમનો પરિવાર, કોંગ્રેસના કમલનાથ તેમના પરિવાર તથા કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રહલાદ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વી. ડી. શર્મા અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિતના નેતાઓએ સવારમાં મતદાન કર્યું હતું. રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, રમતગમત અને યુવા કલ્યાણ પ્રધાન યશોધરા રાજે સિંધિયા, ઉદ્યોગ પ્રધાન રાજવર્ધન સિંહ દત્તીગાંવે પણ સવારમાં મતદાન કર્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને તેમના પુત્ર જયવર્ધન સિંહે પણ પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું. જયવર્ધન સિંહ રાધોગઢથી ચૂંટણી લડી રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં કુલ 64,626 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યાં હતા. આ પૈકી, 64,523 મુખ્ય બૂથ અને 103 સહાયક મતદાન મથકો હતાં. મધ્યપ્રદેશમાં કુલ આશરે 5.60 કરોડ મતદાતા હતા. તેમાં મહિલા મતદાતાની સંખ્યા આશરે 2.72 કરોડ અને પુરુષ મતદાતાની સંખ્યા આશરે 2.88 કરોડ હતી.

છત્તીસગઢમાં મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ, નાયબ મુખ્ય પ્રધાન ટીએસ સિંહ દેવ, રાજ્યના આઠ પ્રધાનો અને ચાર સંસદસભ્યો સહિત કુલ 958 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થયાં હતાં. છત્તીસગઢમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 70 બેઠકો પર પોલીસ અને અર્ધલશ્કરી દળોની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં નવ સિવાયના મતદાન કેન્દ્રો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. ગારિયાબંદ જિલ્લામાં નક્સલ પ્રભાવિત બિન્દ્રાનવાગઢ બેઠકના નવ મતદાન મથકો સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું.

સીએમ બઘેલે તેમના મતવિસ્તાર પાટણ દુર્ગ જિલ્લાના કુરુદ્દિહ ગામમાં મતદાન કર્યું હતું જ્યારે રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદન અને તેમના પત્નીએ સિવિલ લાઇન્સ રાયપુરમાં મતદાન કર્યું હતું. બઘેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 90 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ 75થી વધુ બેઠકો જીતશે અને પાટણ ક્ષેત્રમાં એકતરફી સ્પર્ધા છે. પાટણમાં ભાજપે બઘેલની સામે તેમના ભત્રીજા અને પાર્ટીના સાંસદ વિજય બઘેલને મેદાનમાં ઉતાર્યા છે.

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં નક્સલીઓએ કરેલા વિસ્ફોટમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના એક જવાનનું મોત થયું હતું, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બડે ગોબરા ગામની નજીક બની હતી. સુરક્ષા જવાનોની હાજરીમાં ચૂંટણી અધિકારીઓની ટીમ પરત આવી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો અને તેમાં હેડ કોન્સ્ટેબલ જોગિંન્દર સિંહનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં મતદાન મથક પર મતદાન કરવા માટે કતારમાં ઉભેલી એક મહિલાનું અજ્ઞાત કારણોસર મૃત્યુ થયું હતું. મતદાન કરવા જઈ રહેલા એક વ્યક્તિનું હાથીના હુમલામાં મોત થયું હતું.

LEAVE A REPLY

2 × four =