પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દેશમાં વિમાનના ઇંધણના ભાવમાં મંગળવારે 3.3 ટકા વધીને અત્યાર સુધીની સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ ઉછળીને સાત વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યા હોવાથી એટીએફના ભાવમાં પણ વધારો થયો છે. આ વર્ષે વિમાનના ઇંધણના ભાવમાં અત્યાર સુધી પાંચ વખત વધારો થયો છે. જોકે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 116માં દિવસે કોઇ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એટીએફના ભાવ કિલોલીટર દીઠ રૂ.3,010.87 અથવા 3.22 ટકા વધીને રૂ.93,530.66 થયા હતા. એરલાઇનના કુલ ખર્ચમાં 40 ટકા ખર્ચ જેટ ફ્યુઅલ પાછળ થતો હોય છે. પહેલી જાન્યુઆરી 2022 પછીથી એટીએફના ભાવમાં 26.35 ટકા વધારો થયો છે.