અમેરિકાના લોસ એન્જલસમાં વસતાં સાઉથ એશિયાના બિઝનેસમેનને દર વર્ષે સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ નેશનવાઇડ (સાબાન)થી સન્માનિત કરવામાં આવે છે. સાબાન દ્વારા બિઝનેસની સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પ્રદાન કરનારાઓની પણ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. સાબાન-2021 એવોર્ડમાં આ વખતે મૂળ ગુજરાતીઓનો પણ દબદબો રહ્યો છે. આ વર્ષે સેરિટોઝની સેરિટોન હોટલ ખાતે આ એવોર્ડ સમારંભનું આયોજન થયું હતું.
જે આઠ વ્યક્તિઓનું સન્માન થયું તેમાં બે મૂળ ગુજરાતી છે. લેબોન હોસ્પિટાલિટી ગૃપના સ્થાપક અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ યોગી પટેલ હોટેલ બિઝનેસની સાથે અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બીજા પરિમલ શાહ છે જેઓ પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે સાથે બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ સિવાય ભારતીયોમાં જ્વેલરી ક્ષેત્રેના કાવેરીનાથન, મહેમુદખાન, ફૈઝલ મોઝુમ્બર, રામશંકર તહસીલદાર તથા મુર્તુઝા રાહીનો સમાવેશ થાય છે. તમામ એવોર્ડીઝનું ઓરેન્જ કાઉન્ટિના કાઉન્સિલ વૂમન કીન યાન, સાબાન એવોર્ડના ચેરમેન રણજીત શિવા, એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મોહમ્મદ ઇસ્લામ તથા પ્રકાશ પંચોલીના હસ્તે એવોર્ડ આપી સમ્માન કરાયું હતું.