અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટેના ભૂમિપૂજનની ઐતિહાસિક ઉજવણી યુકેમાં બુધવાર તા. 5ના રોજ વિવિધ મંદિરો અને સંસ્થાઓ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.

બુધવાર તા. 5મી ઓગસ્ટના રોજ  શ્રી રામ મંદિરના શિલાન્યાશ  ભૂમિપૂજનની સાથે સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર હેરો, લંડન ખાતે સંસ્થાના સંસ્થાપક શ્રી રાજ રાજેશ્વર ગુરુજીના વડપણ હેઠળ એક સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે હેરો ઇસ્ટના એમ.પી બોબ બ્લેકમેન, હેરોના મેયર નીતિન પારેખ, ભુતપૂર્વ મેયર અજય મારુ, સત્યા મિનહાસ, હેરો ઇન્ટરફેઇથના ચેરપર્સન સોનુ મલકાની, જય શામ બિલ્ડરના શામજીભાઈ  પટેલ, સિદ્ધાશ્રમના ટ્રસ્ટી દિલીપ ચોબલ અને દિલ સે રેડિયોના રવિ શર્મા ઉપસ્થીત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સર્વે આમંત્રિત અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. આ પાવન દિને ગુરુજી, એમ.પી. બોબ બ્લેકમેન અને હેરોના મેયરે ‘હેરો વોઇસ ફોર હિન્દુઝ’ સંસ્થાનુ વિધિવત ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમને અંતે શ્રી રામજીની આરતી ધ્વજ લહેરાવી સમગ્ર કાર્યક્રમને ચિર સ્મરણીય બનાવી ગર્વ સાથે ભારતીય હોવાની અનુભૂતિ મેળવી હતી.

આ પ્રસંગે ઇન્ડીયન ડાયસ્ફોરાના કેટલાક અગ્રણીઓએ લંડનના ટ્રફાલ્ગર સ્કવેર ખાતે પણ ઉપસ્થિત રહી જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

બર્મિંગહામ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર (એસએચસીસી) દ્વારા સાંજે 7થી 8 દરમિયાન આરતી, શ્લોક અને ભજનનું પ્રસારણ તેમના ફેસબુક પેજ Shree Hindu Community Centre પર કરવામાં આવ્યું હતું. જો કે કોવિડ 19 માટે મૂકવામાં આવેલ પ્રતિબંધોને લીધે, કમનસીબે મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી નહોતી. મંદિર તરફથી યુકેમાં વસતા દરેક હિન્દુઓને આ શુભ પ્રસંગની ઉજવણી માટે બુધવારે તા. 5ની સાંજે 7 કલાકે પોતાના ઘરે લાઈટ – દીવા કરવા વિનંતી કરી હતી.

બેલફાસ્ટના ક્લીફ્ટન સ્ટ્રીટ ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિર ખાતે ભૂમિ પૂજન પ્રસંગે વિશેષ અભિષેક, પૂજા, ભજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંદિર દ્વારા ‘જય શ્રી રામ’ના 11,000 રામનામ જન્મ ભૂમિ ખાતે મોકલવા પણ ભક્તોને આહ્વાન કરી દરેક વ્યકિતને 108 રમાનામ મંત્રો લખી લાવવા અપીલ કરાઇ હતી.

વિશ્વ હિન્દુ પરિષદ યુકે, માંચેસ્ટર શાખા દ્વારા બુધવાર તા. 5ના રોજ બપોરે 3થી 4 દરમિયાન ફેસબુક લાઇવ દ્વારા હિન્દસ્તાની ક્લાસિકલ સિંગર ડો. વિજય રાજપુત દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.