દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે રામ કી પૈડી ઘાટ પર નવ લાખ, રામમંદિરમાં ૫૧ હજાર અને શહેરના વિવિધ હિસ્સામાં ૨.૫ લાખ એમ કુલ ૧૨ લાખ દીવાના પ્રાગટયનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. આ આયોજનને જોવા માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. આ રેકોર્ડ બનાવવા માટે દરેક દીવાએ ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી પ્રજ્વલ્લિત રહેવું જરૂરી હતું. ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ માટે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. દીપોત્સવના મુખ્ય અતિથિ કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડી હતા. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હવે આગામી કારસેવકોમાં ભગવાન રામ અને કૃષ્ણના ભક્તો પર ગોળીઓની નહીં પુષ્પોની વર્ષા થશે. અવધ યુનિવર્સિટીના વહીવટીતંત્રએ ૧૨ હજાર સ્વયંસેવકોના સહયોગથી ખાસ પેટર્નમાં 12 લાખ દીવડા ગોઠવવાનું કામ પૂર્ણ કર્યુ હતું.