ટી20 વર્લ્ડકપમાં બે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં પ્રથમ વિજય મેળવ્યો છે. ભારતે આ મેચમાં મજબૂત બેટિંગ અને શાનદાર બોલિંગના આધારે 66 રનની મોટી જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 2 વિકેટે 210 રન બનાવ્યા હતા. તેની સામે અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. જો કે ભારતને સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે જરૂરી જીત મળી ન હતી.
અગાઉ પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામે હારથી ભારતીય ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશાને ફટકો પડ્યો હતો. બે મોટી હાર બાદ હવે ટીમ ઈન્ડિયાએ પોતાની જીત સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ભારતને અફઘાનિસ્તાનમાં આ મેચમાં 99 રનથી વધુની જીતની જરૂર હતી. ન્યૂઝીલેન્ડ સામેની હારને કારણે ભારતની સેમીફાઈનલ સુધીની સફર લગભગ અશક્ય બની ગઈ હતી. હવે અફઘાનિસ્તાન સામે ઈચ્છિત જીત ન મળવાને કારણે આ મુશ્કેલી થોડી વધી ગઈ છે. હવે ભારતીય ટીમે સ્કોટલેન્ડ અને નામિબિયા સામેની બંને મેચો 80થી વધુ રનના માર્જિનથી જીતવી પડશે. માત્ર ભારતની જીત કામ નહીં કરે અને ન્યૂઝીલેન્ડને અફઘાનિસ્તાનની ટીમ 53 રનથી વધુના અંતરથી હરાવે તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું શક્ય બનશે.