અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના પવિત્ર જન્મસ્થળ પર તા. 22ના રોજ શુભારંભ થયેલ શ્રી રામ મંદિરની યાદમાં વૈશ્વિક સ્તરે BAPS શ્રદ્ધાંજલિના ભાગરૂપે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન, યુકે અને યુરોપના લગભગ 60 BAPS મંદિરો અને કેન્દ્રોમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ હિન્દુ અને જૈન મંદિરો તથા સંગઠનોના નેતાઓ, પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો આ મહત્વપૂર્ણ ઉજવણીમાં જોડાયા હતા.

આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા મંદિરમાં 20 થી 22 જાન્યુઆરી દરમિયાન ભક્તિમય ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સીતા માતા અને રામચંદ્રજી ભગવાનને ‘અન્નકુટ’ ધરાવવા સાથે  ખાસ પૂજન તથા અક્ષત કુંભનું પૂજન કરાયું હતું. તા. 20ના રોજ યોજાયેલી વિશેષ સભામાં શ્રી રામચંદ્રના અનુકરણીય જીવનની સરાહના કરતા ભજનો, વિડિયો પ્રેઝન્ટેશન અને પ્રવચનો કરાયા હતા. તો અક્ષત કુંભ સાથે ભગવાન શ્રી રામ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિઓનું રંગીન ‘પાલખીયાત્રા’માં સભામાં ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે 1953માં પ. પૂ. યોગીજી મહારાજે અયોધ્યાની પ્રથમ મુલાકાત લીધી તે પછી સાત દાયકા સુધી ફેલાયેલા શ્રી રામ મંદિર સાથેના BAPS એ લાંબા ઈતિહાસ પર ધ્યાન દોર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે 1989માં પ્રથમ શ્રી રામ શિલાનું પૂજન કર્યું હતું. 2020માં મહંત સ્વામી મહારાજે શ્રી રામ મંદિરના શિલાન્યાસ સમારોહ માટે પૂજન કર્યું હતું, જેમાં BAPS એ નોંધપાત્ર દાન આપીને 2021 માં અયોધ્યા મંદિર માટે તેનું સમર્થન ચાલુ રાખ્યું હતું.

મહંત સ્વામી મહારાજે પણ એક હૃદયસ્પર્શી હસ્તલિખિત પત્ર લખ્યો હતો, જેમાં તેમણે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પર પોતાનો અભૂતપૂર્વ આનંદ વ્યક્ત કર્યો હતો, અને તમામ BAPS ભક્તોને આ મહત્વપૂર્ણ અવસરને દિવાળીની જેમ જ ભક્તિભાવ સાથે ઘરે ઉજવવા વિનંતી કરી હતી.

BAPS યુકે અને યુરોપના વડા પૂ. યોગવિવેકદાસ સ્વામીએ સમજાવ્યું હતું કે “મંદિરમાં ત્રણ દિવસીય ઉજવણી એ શ્રી રામચંદ્રજી ભગવાનના અનુકરણીય મૂલ્યો અને ઉપદેશોને અપાયેલી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી, જે આજે ખૂબ મહત્વ ધરાવે છે.”

LEAVE A REPLY

19 − two =