પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમ (Photo by Nathan Stirk/Getty Images)

પાકિસ્તાનના બાબર આઝમે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી 16 સદીનો વર્લ્ડ રેકોર્ડ રવિવારે કર્યો હતો. તેણે ફક્ત 84 વન-ડે ઈનિંગ્સમાં 16 સદી નોંધાવી છે, અને તે રીતે સાઉથ આફ્રિકાના હાસિમ આમલાનો 94 વન-ડે ઈનિંગ્સમાં 16 સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં સુકાની તરીકે બાબરે આ રેકોર્ડ નોંધાવ્યો હતો. એ પહેલા, તેણે બીજી વન-ડેમાં પણ સદી કરી હતી. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ત્રણ વન-ડેની સીરીઝમાં 2-1થી હરાવી સીરીઝમાં વિજય પણ મેળવ્યો હતો. 83 વન-ડેમાં 15 સદીનો પણ રેકોર્ડ બાબર આઝમના નામે જ નોંધાયો છે.

16 વન-ડે સદી કરી ચૂકેલા અન્ય ખેલાડીઓમાં ભારતના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી (110 ઈનિંગ) તથા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (110 ઈનિંગ) નો પણ સમાવેશ થાય છે.