(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

રાજકુમારથી લઇને વડાપ્રધાન સુધીના લોકોને થઇ રહેલા ખતરનાક કોરોનાવાયરસથી પિડીત શ્યામ દર્દીઓ બમણા દરે મરી રહ્યા છે તેવા નવા વિશ્લેષણ બાદ કોરોનાવાયરસથી સૌથી વધુ જોખમ કોને છે તેની સમીક્ષાને ઝડપી બનાવવા માટે કૉલ કરવામાં આવશે. ધ રેગે સીંગર ડેલરોય વોશિંગ્ટન અને રહીમા બીબી સિધાની તાજેતરમાં મૃત્યુ પામ્યા હતા.

બ્રિટનના વંશીય લઘુમતી સમુદાયોમાં કોરોનાવાયરસ ચેપના કારણે અપ્રમાણસર દરે મરણ થઇ રહ્યા છે તેના આંકડાકીય પુરાવા હજી મળ્યા નથી પરંતુ દૈનિક ધ ટાઇમ્સ દ્વારા એનએચએસના મૃત્યુ દરનુ વિશ્લેષણ કરાતા જાણવા મળ્યુ હતુ કે શ્યામ લોકો બ્રિટનના શ્વેત લોકો કરતા બમણી સંખ્યામાં  ઇંગ્લિશ હોસ્પિટલોમાં મરી રહ્યા છે.

એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા કરાયેલા વર્ગીકરણ મુજબ દર 100,000ની વસ્તીએ 23 શ્વેત બ્રિટીશ, 27 એશિયન અને 43 શ્યામ લોકો મરણ પામ્યા હતા. બાંગ્લાદેશીઓનો મૃત્યુ દર 20, કેરેબિયન લોકોનો 70, અન્ય શ્યામ 48, ભારતીય 30, અન્ય એશિયન 27, પાકિસ્તાની 26નો દર હતો. ગયા અઠવાડિયાના અંત સુધીમાં ઇગ્લેન્ડની હોસ્પિટલોમાં કોરોનાવાયરસથી મોતને ભેટેલા કુલ 12,593 લોકો પૈકી 9,646 (76.6 ટકા) શ્વેત, 1,013 (8 ટકા) એશિયન અને 801 (6.4 ટકા) શ્યામ લોકો હતા.

ઇક્વાલીટી અને હ્યુમન રાઇટ્સ કમિશનના ભૂતપૂર્વ વડા ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું હતું કે “જો લોકો એમ કહે છે કે આ વાયરસ ભેદભાવ રાખતો નથી, તે ક્યાં તો મરણઆંક તરફ જોતા નથી અથવા સત્ય સ્વીકારવા માંગતા નથી.”

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે ‘’શ્યામ સમુદાયમાં વધુ પડતા મૃત્યુ દરના સંકેતોથી તેઓ ખાસ ચિંતિત છે. ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે, પરંતુ ઉંડાણપૂર્વકના ડેટા વિના કોઈ ચોક્કસ નિર્ણયો કાઢવા મુશ્કેલ છે. બ્રિટનમાં શ્યામ લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીઝ અને હાયપરટેન્શન સહિત અમુક પ્રકારના રોગોનું પ્રમાણ વધારે છે. આજ રીતે તેમની નોકરી અને વસવાટ પણ કારણભૂત છે. કારણ કે ગીચ ઘરોમાં ઉચ્ચ ટ્રાન્સમિશન રેટ રહે છે. સામાન્ય રીતે આપણે BAME લોકોને ફ્રન્ટલાઈન નોકરીમાં જોતા હોઈએ છીએ. જેમાં તેઓ સામાજિક અંતર જાળવી શકતા નથી તેથી કોવિડ-19 થવાનું જોખમ વધારે છે.”

હેલ્થ સર્વિસ જર્નલે મોતને ભેટેલા એથનિક બેકગ્રાઉન્ડના 101 એનએચએસ સ્ટાફના વિશ્લેષણને બહાર પાડ્યું હતું.  તેમાં 35 નર્સ અને મિડવાઇફ્સ અને 19 ડોકટરો અને ડેન્ટીસ્ટ્સનો સમાવેશ થાય છે. BAME સ્ટાફ એકંદરે એનએચએસ કર્મચારીઓના 21 ટકા જેટલો છે. મૃત્યુ પામનારામાંથી 63 ટકા BAME બેકગ્રાઉન્ડના હતા. નર્સ અને મિડવાઇફ્સમાં થયેલા મૃત્યુના 71 ટકા, ડૉક્ટર અને ડેન્ટીસ્ટ્સમાં 94 ટકા તથા હેલ્થ સપોર્ટ વર્કરમાં  દર 56  ટકા લોકો BAME મૂળના છે.

સ્વીડનમાં સોમાલિ વસ્તી દેશની એકંદર વસ્તીના 0.5 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 કેસના 5 ટકા સોમાલિ છે. અમેરિકાના શિકાગોમાં કોવિડ-19ને કારણે થયેલા કુલ મોતના 70 ટકાથી વધુ મૃત્યુ શ્યામ લોકોના થયા છે. જેઓ શહેરની વસ્તીનો ત્રીજો ભાગ છે. મિશિગનમાં આફ્રિકન-અમેરિકન વસ્તીનો હિસ્સો 14 ટકા છે પરંતુ કોરોનાવાયરસથી સંબંધિત મૃત્યુમાં તેમની ટકાવારી 40 ટકાથી વધુ છે.

કેટલાક ડોકટરો અને વૈજ્ઞાનિકો દલીલ કરે છે કે બીજુ પરિબળ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ઘાટી ત્વચાવાળા લોકોમાં મેલેનિનનું પ્રમાણ વધારે હોય છે, જે તેમને કુદરતી સૂર્યપ્રકાશ દ્વારા વિટામિન મેળવવાનું મુશ્કેલ બનાવે છે.