પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની રાહ જોતાં બ્લેક, એશિયન, મિક્સ રેસ અને લઘુમતી વંશીય સમુદાયના દર્દીઓ માટેની કિડનીની મોટા પ્રમાણમાં અછત છે અને સમુદાયના લોકો માટે અંગદાન હજુ પણ એક પડકાર છે એમ એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ મુદ્દાને ઉકેલવા અને BAME સમુદાયોમાં આ અંગે   જાગૃતિ લાવવા £100,000ના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે.

કોવિડ રોગચાળાએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા પર નોંધપાત્ર અસર કરી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે 444 દર્દીઓ આ વર્ષ દરમિયાન જીવંત દાતા પાસેથી ટ્રાન્સપ્લાન્ટ મેળવવામાં સક્ષમ થયા હતા. જોકે ગત વર્ષની સરખામણીમાં તેમાં 58 ટકાનો ઘટાડો થયો હતો. જો કે ઘણા દર્દીઓને યાદીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આઇસીયુ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિટ પર રોગચાળાની અસર અને યુકે લિવિંગ કિડની શેરિંગ સ્કીમ થોભાવવામાં આવી હોવાથી ઓછા દાતાઓ આવ્યા હતા અને ઓછું પ્રત્યારોપણ શક્ય થયું હતું.

બ્લેક, એશિયન, મિક્સ રેસ અને લઘુમતી વંશીય દર્દીઓમાં અંગ પ્રત્યારોપણની સંખ્યા 36 ટકા ઘટી છે જ્યારે એકંદર વસ્તીમાં આ ઘટાડો 22 ટકાનો છે. તમામ પૃષ્ઠભૂમિના દર્દીઓમાં અંગોની અછત રહે છે, પરંતુ ખાસ કરીને બ્લેક, એશિયન, મિક્સ રેસ અને લઘુમતી વંશીય સમુદાયના દર્દીઓમાં કિડનીની તિવ્ર અછત રહે છે.

ગયા વર્ષે, યુકેમાં કુલ 1,180 મૃત અંગદાતા હતા અને તેમાંથી માત્ર 8.4 ટકા BAME સમુદાયના હતા. આમ છતાં હાલમાં આ સમુદાયોના 1,237 લોકો ની પ્રતીક્ષા યાદીમાં બાકી છે. પાછલા વર્ષ દરમિયાન અંગ દાન કરવા માટે BAME પરિવારોમાંથી 39.5 ટકા લોકોએ અને શ્વેત પરિવારોમાં 69 ટકા લોકોએ અંગદાન કરવાની ઇચ્છા જાહેર કરી હતી.

જીવંત દાતાઓ કોને પોતાના અંગનું દાન કરવું છે તેની પસંદ કરી શકે છે. ગયા વર્ષે, આશરે 20 ટકા BAME દર્દીઓને શેરિંગ સ્કીમ અને બિન નિર્દેશિત પરોપકારી દાતાઓ તરફથી કિડની મળી હતી.

NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના લિવિંગ ડોનેશન માટેના ક્લિનિકલ લીડ લિસા બર્નેપે કહ્યું હતું કે “અમે જીવંત દાતાઓ પાસેથી અંગોનું દાન લઇને ટ્રાન્સપ્લાન્ટ મેળવવા સક્ષમ દર્દીઓની સંખ્યા વધારવા માટે સખત મહેનત કરી છે પરંતુ રોગચાળાએ તેના પર નોંધપાત્ર અસર કરી છે. હવે અમને વધુ દર્દીઓ માટે જીવનરક્ષક ટ્રાન્સપ્લાન્ટ કરી શકે તેવા જીવંત દાતાઓની જરૂર છે.”

નેશનલ BAME ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સ (એનબીટીએ)ના પ્રમુખ કિરીટ મોદીએ કહ્યું હતું કે ‘’રોગચાળાએ અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહેલા લઘુમતી વંશીય દર્દીઓને ભારે અસર કરી છે. અત્યારે જ તમારા પ્રિયજનો સાથે અંગ દાન વિશે વાતચીત કરી તમારી પસંદગી ગમે તે હોય પણ અંગદાનનો નિર્ણય લેવો જરૂરી છે. કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ફંડિંગની શરૂઆતનું અમે સ્વાગત કરીએ છીએ.”