કોવિડ-22ના નામે ઓળખાવાયેલો કોરોનાવાઇરસનો “સુપર વેરિઅન્ટ” કોવિડ-19 અને ડેલ્ટા વાઇરસ  કરતા વધુ ખરાબ છે અને તે આવતા વર્ષે બહાર આવે તેવી શક્યતા છે એવો ઝુરિચ સ્થિત વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે આ વાઇરસ બાળકો સહિત દરેક રસી વગરના વ્યક્તિઓને અસર કરશે અને બાળકો તેના સંભવિત સુપર-સ્પ્રેડર રહેશે.

ફેડરલ ટેકનોલોજી ઇન્સ્ટીટ્યુટ ETH Zurich ના ઇમ્યુનોલોજિસ્ટ નિષ્ણાત ડૉ. સાઇ રેડ્ડીએ ચેતવણી આપતા કહ્યું હતું કે “કોવિડ-22 વેરિઅન્ટ હાલના વાઇરસ કરતા પણ ખરાબ હોઇ શકે છે. આગામી કેટલાક વર્ષોમાં અનેક રસીઓ તૈયાર કરવાની જરૂર પડશે અને વિશ્વએ આપણે જીવીએ ત્યાં સુધી વિકસતા ખતરા સામે લડવાનું ચાલુ રાખવું પડશે. જે કોઈ વ્યક્તિ રસી લેવાની ના પાડશે તેમને કોઈક સમયે તો ચેપ લાગશે જ અને તે સુપર સ્પ્રેડર બની શકે છે.”

તેમણે કહ્યું હતું કે ‘’બીટા અને ગામા વેરિઅન્ટ આંશિક રીતે એન્ટિબોડીઝને ટાળી શકે છે. જ્યારે ડેલ્ટા વધુ ચેપી છે અને તેણે કોઈ એસ્કેપ પરિવર્તન વિકસાવ્યું નથી. આ રસી 12 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ખતરાજનક નથી તે દર્શાવવા માટે પૂરતા પુરાવા છે. ઓટમમાં “રસીકરણની સફળતા” નજરે પડશે અને કેસો વધશે તો કેટલાક દેશોમાં કડક પ્રતિબંધ લાદવા પડશે. ખૂબ જ સંભવ છે કે નવા વેરિઅન્ટ સામે રસીકરણ પર આધાર રાખી શકીશું નહિં.’’

દરમિયાન, યુકેમાં તા. 23ના રોજ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કોવિડ મૃત્યુની સાત દિવસની સરેરાશ હવે 100ની છે.