પોલીસ હજી પણ લઘુમતીઓની પૂરતી ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. કૉલેજ ઑફ પોલિસીંગે વર્ષ 2018-19માં મેટ્રોપોલિટન પોલીસ સહિત ચાર દળોના ડે વન એસેસમેન્ટ સેન્ટરમાં ભાગ લેનારા 18,000થી વધુ ઉમેદવારોના અનુભવનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં 73 ટકા શ્વેત લોકોની તુલનામાં માત્ર 47 ટકા અશ્વેત ઉમેદવારો પાસ થઇ શક્યા હતા. પોલીસ દળમાં શ્યામ અને વંશીય-લઘુમતીના લોકોની અરજીઓ નવી ભરતી પ્રણાલી હેઠળ તેમના શ્વેત સમકક્ષો કરતા બમણા દરે નામંજૂર કરવામાં આવી હતી.

કૉલેજ ઑફ પોલિસીંગના જણાવ્યા અનુસાર, અડધાથી વધુ શ્યામ અને લઘુમતી ઉમેદવારો કોન્સ્ટેબલની ભરતીમાં નિષ્ફળ ગયા હતા. જેની સામે શ્વેત ઉમેદવારોના ચોથા ભાગના લોકોજ નિષ્ફળ ગયા હતા. આમ 20,000 નવા અધિકારીઓ માટેની ભરતીની ડ્રાઇવથી લઘુમતીઓની પોલીસ દળમાં પ્રતિનિધિત્વ વધી શકશે નહિ. 80 ટકાથી વધુ શ્વેત બ્રિટિશ ઉમેદવારો પાસ થયા હતા. જ્યારે બાંગ્લાદેશી અને શ્યામ -આફ્રિકન મૂળના 60 ટકાથી વધુ નિષ્ફળ થયા છે. બીજી ભાષા તરીકે અંગ્રેજી બોલતા ત્રીજા ભાગના ઉમેદવારો નાપાસ થયા હતા.

લઘુમતી ઉમેદવારોને ભરતીમાં મદદ કરવા માટે બ્લ્યુલાઇટ કન્સલ્ટન્સી ચલાવતા ભૂતપૂર્વ પોલીસ અધિકારી બ્રેન્ડન ઓ બ્રાયને જણાવ્યું હતું કે આ સાબિત કરે છે કે, “શરૂઆતથી જ તેમની સામે કાર્ડ્સ સ્ટેક કરવામાં આવ્યા છે.” તાજેતરના આંકડા અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 90 ટકાથી વધુ પોલીસ શ્વેત છે અને શ્યામ અને વંશીય લઘુમતીઓના સંખ્યા માત્ર 6.9 ટકા જ છે જેની સામે તેમનું વસ્તીનું પ્રમાણ 14 છે.