
બાંગ્લાદેશ એરફોર્સનું તાલીમ વિમાન સોમવાર, 21 જુલાઈએ રાજધાની ઢાકામાં કોલેજ એન્ડ સ્કૂલ કેમ્પસમાં તૂટી પડતા ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા તથા બાળકો સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના ઢાકાના ઉત્તરી વિસ્તાર ઉત્તરામાં આવેલી માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજમાં બની હતી.પ્લેન ક્રેશ પછી મોટી આગ લાગી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવા અને તમામ પ્રકારની સહાય સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ અકસ્માતમાં વાયુસેના… વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને સ્ટાફ અને અન્ય લોકોને જે નુકસાન થયું છે તે ભરપાઈ ન થઈ શકે તેવું છે
આર્મી અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો પ્રમાણે 19 લોકોના મોત થયા હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. માહિતી અનુસાર F7 ફાઈટર જેટ ચીનનું વિમાન છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ બાંગ્લાદેશ સૈન્યના જવાન અને ફાયર સર્વિસ તથા સિવિલ ડિફેન્સની આઠ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
