નાણાકીય મુશ્કેલીમાં મુકેલી બેન્કોના થાપણદારોને રાહત આપતી એક હિલચાલમાં કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) સુધારા બિલને બુધવારે મંજૂરી આપી હતી. બિલ મંજૂર થયા બાદ બેન્ક બંધ થાય કે ડૂબી જાય તો થાપણદારોની રૂ.5 લાખ સુધીની રકમ સુરક્ષિત રહેશે. ડિપોઝિટરોને આ રકમ 90 દિવસની અંદર મળશે. હાલ ગ્રાહકોની બેંકમાં જમા થયેલા એક લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત હોય છે.

આ ખરડામાં તમામ બેન્ક ડિપોઝિટને વીમકચવ આપવાની દરખાસ્ત છે. તેમાં વિદેશી બેન્કો સહિત તમામ કોમર્શિયલ બેન્કોને આવરી લેવામાં આવશે. દરેક બેન્કમાં રૂ.5 લાખ સુધીની ડિપોઝિટને વીમા કવચ મળશે.

જોકે સરકારે 2020માં જ ડિપોઝિટ વીમાની મર્યાદામાં 5 ગણો વધારો કરવાની જાહેરાત કરી હતી, હવે તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેને સંસદ દ્વારા મંજૂરી આપવાની બાકી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું છે કે આ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં જ રજૂ કરવામાં આવશે.