(ફોટો સૌજન્યઃ REUTERS/Amit Dave)

કાર્ડિફમાં હિન્દુ અને શીખ સમુદાયના લોકો પોતાની આસ્થા મુજબ અસ્થિવિસર્જન કરી શકે તે આશયે વિશેષ અસ્થિવિસર્જન સ્થળનો શુભારંભ તા. 31 જુલાઈ, શનિવારના રોજ બપોરે 2.30 કલાકે ક્લેન્ડેફ રોવિંગ ક્લબ, કાર્ડિફ ખાતે થનાર છે. આ પ્રસંગે  વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફર્ડ, લોર્ડ મેયર ઓફ કાર્ડિફ, કાઉન્સિલર રોડ મેક’ર્કલિચ, કાર્ડિફ કાઉન્સિલ લીડર, કાઉન્સિલ હ્યુ થોમસ, કેબિનેટ સભ્ય કાઉન્સિલર માઇકલ અને અન્ય મહાનુભાવો આ અનોખા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

હવે વેલ્સમાં 3 પેઢીથી સ્થાયી હિન્દુ અને શીખ સમુદાયના લોકો વેલ્સમાં તેમના પ્રિય સ્વજનના અંતિમ સંસ્કાર બાદના અસ્થિવિસર્જનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ અગાઉ સાઉથ વેલ્સમાં કેટલાક પરિવારો બોટ ભાડે કરી એકાંત સ્થળોએ અસ્થિવિસર્જન કરતા હતા. જે કેટલાક કેસોમાં શંકાસ્પદ અને જોખમી ગણતું હતું. જેને પગલે હિન્દુ કાઉન્સિલ ઑફ વેલ્સ અને શીખ સમુદાયના પ્રતિનિધિઓએ સંબંધિત કાઉન્સિલના અધિકારીઓ પાસેથી સત્તાવાર મંજૂરી લેવી પડી હતી.

ડિસેમ્બર 2016માં અંતિમ સંસ્કાર ગ્રુપ વેલ્સની રચના કરાઇ હતી જેના અધ્યક્ષ તરીકે વિમલાબેન પટેલ, સેક્રેટરી તરીકે રાધિકા કડાબા, ખજાનચી: ચન્ની ક્લેર અને સમિતિના સભ્યો તરીકે જસવંતસિંહ, નારણ પટેલ, શિવ શિવાપલન, વેરિંદર ભોગલ, શક્તિ ગુહા-નિયોગી અને કરસન વાઘાણીની વરણી કરાઇ હતી. આ કમિટીએ ક્લેન્ડેફ રોવિંગ ક્લબ, કાર્ડિફ ખાતે અસ્થિવિસર્જન માટે બાંધકામની શરૂઆત કરી ભૂમિપૂજા અને અરદાસ કરી આશીર્વાદ મેળવ્યા હતા. હવે સંબંધીઓને તેમના પ્રિયજનોના અસ્થિવિસર્જન સીધા ટેફ નદીમાં વિસર્જીત કરી શકે છે.

કાર્ડિફ કાઉન્સિલે આ બાંધકામ માટે નાણાં પૂરા પાડ્યા હતા અને બાકીનો ખર્ચ ક્લેન્ડફ રોવિંગ ક્લબ અને સાઉથ વેલ્સના હિન્દુ અને શીખ સમુદાયોએ કર્યો હતો. સંપર્ક: વિમલાબેન પટેલ 07979 155 320 અને રાધિકા કડાબા  07966 767 659.