(istockphoto)

ખાનગી બેન્કોના કોર્પોરેટ માળખાની સમીક્ષા કરી રહેલી રિઝર્વ બેન્કની આંતરિક વર્કિંગ કમિટીએ મોટા ઔદ્યોગિક ગ્રૂપોને બેન્કોનું લાઇસન્સ આપવાની ભલામણ કરી છે. આ ભલામણને કારણે ટાટા ગ્રૂપ અને આદિત્ય બિરલા ગ્રૂપે બેન્કિંગ લાઇસન્સ માટે ફરી વિચારણા હાથ ધરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯માં સુધારા કરી મોટા કોર્પોરેટ તથા ઔદ્યોગિક જુથોને બેન્કો ચલાવવાની મંજુરી આપવા સમિતિએ સૂચન કર્યું છે.

સમિતિ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં રૂ.૫૦,૦૦૦ કરોડ કે તેથી વધુના એસેટ કદ સાથેની મોટી નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપની (એનબીએફસીસ) જેનો ટ્રેક રેકોર્ડ સારો હોય તેને બેન્કસમાં રૂપાંતરિત કરવાની પણ મંજુરી આપવા ભલામણ કરાઈ છે. સંખ્યાબંધ એનબીએફસી પણ આ ભલામણોથી ઉત્સાહી થઈ છે. ઔદ્યોગિક ગ્રૂપો લાયસન્સ માટે સીધી અરજી કરી શકે છે અથવા જેઓ ધિરાણ પ્રવૃત્તિ કરતા હોય તે પોતાના વર્તમાન વેપારને સીધો બેન્કમાં રૂપાંતર કરી શકે છે, એમ રિપોર્ટમાં સૂચવાયું છે. જોકે વિશ્લેષકોએ જણાવ્યું હતું કે મોટા ઔદ્યોગિક ગ્રૂપો માટે બેન્કિગ લાઇસન્સ મેળવવાનું સરળ નહીં હોય, કારણ કે તાજેતરમાં દેશમાં અનેક બેન્કોની નિષ્ફળતાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક લાઇસન્સ જારી કરવામાં હળવી નીતિ ન અપનાવે તેવી શક્યતા છે.

સમિતિની ભલામણો અંગે ૧૫ જાન્યુઆરી સુધીમાં સૂચનો મંગાવાયા છે. જો આ ભલામણોનો સ્વીકાર કરાશે તો ભારતના બેન્કિંગ ઉદ્યોગમાં ચાલીસ વર્ષના ગાળા એટલે કે ૧૯૮૦ બાદ કોર્પોરેટ જગતની ફરી એન્ટ્રી જોવા મળશે. ૧૯૮૦માં દેશની બેન્કોના રાષ્ટ્રીયકરણનો અંતિમ તબક્કો પૂરો થયો હતો. ૧૯૯૩માં ખાનગી ખેલાડીઓને બેન્કો ચલાવવાની પરવાનગી અપાઈ છે ત્યારથી અનેક ઔદ્યોગિક જુથો બેન્કિંગ ક્ષેત્રે ઝંપલાવવા તત્પર છે, પરંતુ આ સંદર્ભમાં કાઈ પ્રગતિ જોવા મળી નથી. ટાટા ગ્રૂપે 1917માં બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને ટાટા ઇન્ડસ્ટ્રીયલ બેન્કની સ્થાપના કરી હતી, પરંતુ તેમાં મુશ્કેલી ઊભી થતાં 1023માં તેને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં મર્જ કરવામાં આવી હતી. બિરલા ગ્રૂપે યુનાઇટેડ કોમર્શિયલ બેન્ક(યુકે)ની સ્થાપના કરી હતી, જેનું 1969માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.