A war has been waged against Russia and we will emerge victorious: Putin

યુક્રેન પર રશિયા દ્વારા હુમલા પછી વિશ્વભરમાં હાહાકાર થઇ રહ્યો છે. યુક્રેનની સ્થિતિ વધારેને વધારે ખરાબ થઈ રહી છે. યુક્રેનમાં લોકોમાં એવો ભય પેદા થયો છે કે, તેઓ પોતાના ઘર છોડીને મેટ્રોની નીચે કે અંડરગ્રાઉન્ડ જગ્યાઓમાં સંતાઈ રહ્યા છે. હજારો લોકો પોતાનો દેશ છોડીને પાડોશના દેશ તરફ વળી રહ્યા છે. આ સ્થિતિમાં અનેક દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. વિશ્વના અનેક દેશોના વડાઓએ આ માટે ક્રેમલિન પર દબાણ બનાવવાના પ્રયત્ન અંતર્ગત આ પ્રતિબંધો લાગુ કર્યા છે. કયા દેશે કેવા પ્રતિબંધો લાદ્યા છે અને તેની શું રશિયા પર શું અસર થશે તેની વિગતો નીચે મુજબ છે.
અમેરિકા
અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેને શુક્રવારે જ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમણે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમના પર અમેરિકામાં ટ્રાવેલ પ્રતિબંધ રહેશે. ઉપરાંત બિડેને રશિયાની ચાર બેંકો પર પ્રતિબંધ લગાવી દીધો છે જેના કારણે રશિયાની ટેક્નિકલ આયાત અવરોધાઈ શકે છે અને તેથી રશિયન બિલિયોનેર્સને ફટકો પડશે. રશિયાની એનર્જી કંપની ગઝપ્રોમ સહિત 12 કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે કંપનીઓને પશ્ચિમના બજારમાંથી મૂડી એકઠી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રશિયાને નિકાસ કરવામાં આવતા સંરક્ષણ અને એરોનોટિક્સ ઉપકરણો પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો. તે સિવયા રશિયાને મદદ કરવાના કારણે બેલારૂસના અનેક વ્યક્તિઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
યુરોપિય યુનિયન
યુરોપિય યુનિયને પણ પુતિન અને લાવરોવ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. યુરોપીય યુનિયનના વિદેશ પ્રધાનોની ઈમરજન્સી બેઠકમાં રશિયા પર અનેક આકરા પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુરોપીય સંઘે રશિયાના વિદેશ નીતિના પ્રેસિડેન્ટ જોસેફ બોરેલ પર આકરા પ્રતિબંધો લગાવીને તેમને નિષ્ઠુર વ્યક્તિ કહ્યા છે. યુરોપીય સંઘ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે રશિયાનું નાણાકીય, ઉર્જા અને પરિવહન ક્ષેત્ર પ્રભાવિત થશે. તે સિવાય યુરોપીય સંઘની બેંકોમાં રશિયન વ્યક્તિઓની પૈસા જમા કરાવવાની ક્ષમતા પણ પ્રભાવિત થશે. યુરોપીય યુનિયનના તમામ 27 દેશોમાં રશિયાના અનેક વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે અને તેમની ત્યાં રહેલી સંપત્તિઓ પણ સીઝ કરાશે.
બ્રિટન
બ્રિટન સરકારે પણ શુક્રવારે પુતિન અને લાવરોવની તમામ સંપત્તિ ફ્રીઝ કરવા અને પોતાના હવાઈ ક્ષેત્રમાં રશિયન અબજોપતિઓના જેટ વિમાનો પર પ્રતિબંધો મુકવાનો આદેશ આપ્યો છે. બ્રિટનમાં પુતિન અને લાવરોવ ઉપરાંત અનેક લોકોની સંપત્તિ અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ પણ બ્રિટન રશિયન બેંક વીટીબી અને સંરક્ષણ નિર્માતા કંપની રોસ્ટેકની સંપત્તિ ફ્રીઝ કરી ચુક્યું છે.
કેનેડા
કેનેડાએ પુતિન અને લાવરોવ પર પ્રતિબંધ ઉપરાંત રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરી દીધું છે. આ કારણે રશિયાને વેપાર કરવામાં મુશ્કેલી પડશે. કેનેડાએ રશિયાને મદદ કરનારા બેલારૂસ પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. કેનેડાએ રશિયાની આશરે 60 પ્રભાવશાળી વ્યક્તિઓ અને બેંકો પર પ્રતિબંધ મુક્યો છે.
એશિયા પેસિફિક
એશિયા પેસિફિક ક્ષેત્રોમાં રશિયા વિરૂદ્ધ પ્રતિબંધોને લઈ એ પ્રકારની એકજૂથતા નથી જેવી પશ્ચિમના દેશોમાં છે. ભારત આ પ્રકારના કોઈ પ્રતિબંધોમાં સામેલ નહીં થાય. જ્યારે જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ યુક્રેનની યથાસ્થિતિમાં ફેરફાર માટે પુતિનની ટીકા કરીને સેમીકંડક્ટરની આયાત રોકી દીધી છે. સમગ્ર વિશ્વમાં હાલ સેમીકંડક્ટરની તંગી છે. જાપાન ઉપરાંત તાઈવાન પણ રશિયા પર કેટલાક પ્રતિબંધો મુકી રહ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ રશિયાના 25 વ્યક્તિઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે પર પ્રતિબંધ મુકી દીધો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રશિયાને મદદ કરવા માટે ચીનની ટીકા કરી છે.