કેલિફોર્નિયામાં બુધવારે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ભારતીય ડાયસ્પોરા સાથે ફોટો માટે પોઝ આપ્યો હતો. (ANI Photo)

અમેરિકાની યાત્રા પર રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે સંસદમાંથી ગેરલાયક ઠરવાથી તેમને લોકોની સેવા કરવાની મોટી તક મળી છે. કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીઓના શ્રેણીબદ્ધ પ્રશ્નોના જવાબમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ સિલિકોન વેલીના સ્ટાર્ટઅપ સાહસિકો સાથે વાતચીત કરી હતી. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું જ્યાં તેમણે કેટલાક ખાલિસ્તાની સમર્થકોના સૂત્રોચ્ચારનો પણ સામનો કરવો પડ્યો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું કદાચ એવો પહેલો વ્યક્તિ છું જેને ‘બદનક્ષી માટે મહત્તમ સજા’ આપવામાં આવી છે. હું 2004માં રાજનીતિમાં આવ્યો ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આજે દેશમાં શું થઈ રહ્યું છે. માનહાનિ માટે મહત્તમ સજા મેળવનાર હું પ્રથમ વ્યક્તિ છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવું કંઈક શક્ય છે.સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાથી તેમને લોકોની સેવા કરવાની મોટી તક મળી છે.

અહી ઉલ્લેખનીય છે કે મોદી સરનેમ અંગેના બદનક્ષી કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારતા રાહુલ ગાંધી ગાંધી સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા.

‘ભારત જોડો યાત્રા’નો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. ભાજપે સંસ્થાઓ કબજે કરી લીધી છે. અમે લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ. અમે જોયું કે કોઈ સંસ્થા અમને મદદ કરી રહી નથી ત્યારે અમે રસ્તા પર આવી ગયા અને આ રીતે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ સ્થાનિક પડકારોનો સામનો કરવા માટે વિદેશી મદદ માંગી રહ્યા છે. ત્યારે તેમણે ના પાડી અને કહ્યું, ‘હું કોઈનો ટેકો નથી માંગતો. હું જાણું છું કે અમારી લડાઈ અમારી લડાઈ છે. પણ હા, અહીં ભારતના યુવા વિદ્યાર્થીઓ છે અને હું તેમની સાથે વાતચીત કરવા માંગુ છું અને તે મારો અધિકાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પણ લોકો સાથે વાત કરવી જોઈએ અને “કેટલાક અઘરા સવાલોના જવાબ” આપવા જોઈએ.

LEAVE A REPLY

sixteen − five =