લોર્ડ કેમરને ‘કિંગ ઓફ કન્વીનીયન્સ’ અને એન્ટરપ્રાઇઝ, પરિવાર અને સમુદાયના ચેમ્પિયનની સરાહના કરી
બેસ્ટવે ગ્રુપની 50મી વર્ષગાંઠ સાથે બિઝનેસ ટાઇટન સર અનવર પરવેઝ ઓબીઈ, એચ પીકેના 90મા જન્મદિવસની ઉજવણી માટે રોયલ આલ્બર્ટ હોલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભૂતપૂર્વ વડા પ્રધાન લોર્ડ ડેવિડ કેમરને સર અનવર પરવેઝની ભાવનાત્મક અને હૃદયસ્પર્શી સરાહના કરી હતી.
ગ્રામીણ પાકિસ્તાનથી બ્રિટિશ બિઝનેસ અને શાહી રાજવી પરિવાર સુધીની સફર ખેડનાર તથા આપબળે ઉદ્યોગસાહસિક બની અસાધારણ સફળતા મેળવનાર સર અન્વર પરવેઝના જીવન અને સિદ્ધિઓનું સન્માન કરવા માટે યોજાયેલ ભવ્ય ઉજવણીમાં સર સાદિક ખાન, લોર્ડ સાજિદ જાવિદ, લોર્ડ તારિક અહમદ અને બેરોનેસ સૈયદા વારસી સહિત બિઝનેસ અને રાજકીય જગતના દિગ્ગજો, રાજદ્વારીઓ, બેસ્ટવે પ્રબળ હાજરી ધરાવે છે તેવા ગ્રોસરી, ફાર્મસી અને નાણાકીય ક્ષેત્રોના અગ્રણીઓ સહિત પાંચ દાયકાથી બેસ્ટવે યાત્રાનો ભાગ રહેલા મિત્રો અને પરિવારજનો સહિત લગભગ 800 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોર્ડ કેમરને તેમના મુખ્ય ભાષણમાં કહ્યું હતું કે ‘’બ્રિટનમાં જો કોઈ વ્યક્તિ બસ કંડક્ટરથી બિલીયોનેર બિઝનેસમેન સુધીની સફર ફક્ત પોતાના લોહી, પરિશ્રમ, આંસુ અને પરસેવા દ્વારા કરી શકે તો તે સર અનવર પરવેઝ છે. સર અન્વરનો માર્ગ મુશ્કેલ હતો, લાંબો હતો પણ સાથે શ્રેષ્ઠ હતો.”
રોયલ આલ્બર્ટ હોલનો કાર્યક્રમ સર અનવરને ટ્રિબ્યુટ આપવા માટે ઘણા અઠવાડિયાઓથી યોજાતા કાર્યક્રમો પૈકી એક હતો. જેમાં હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ રૂમમાં રિસેપ્શન સમારંભ અને રોયલ એસ્કોટ ખાતે રોયલ બોક્સમાં મહારાજા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સાથેના ટી કાર્યક્રમનો સમાવેશ થાય છે.
સર અન્વરના ‘’યુકે અને પાકિસ્તાનમાં હેલ્થકેર અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં અસાધારણ રેકોર્ડ”ની પ્રશંસા કરતા, લોર્ડ કેમરને તેમને “રીયલ કિંગ ઓફ કન્વીનીયન્સ” અને “દુકાનદારોના રાજદૂત” તરીકે વર્ણવ્યા હતા. તેમણે બેસ્ટવેની એક એવા બિઝનેસ તરીકે પ્રશંસા કરી હતી જે નાના બિઝનેસને ટેકો આપીને મોટો થયો હતો, જે યુકે અને વિદેશમાં હજારો ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સને સશક્ત બનાવતો હતો.
લોર્ડ કેમરને કહ્યું હતુ કે “તમારો એક એવો બિઝનેસ છે જે ફક્ત ઉદ્યોગસાહસિક નથી, તે અન્ય ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવે છે. દરેક નાની દુકાન તમારા જેવા પરિવારો દ્વારા ચલાવવામાં આવે છે, તમારી જેમ ચોવીસ કલાક કામ કરતા દુકાનદારોને તમે મદદ કરો છો અને તમે ફક્ત તેમને સારી કિંમતે માલ જ નથી આપતા તમે તેમને એક પ્રોફાઇલ, એક અવાજ આપો છો. તમારી સ્થિતિ તેમને પોતાનો દરજ્જો આપે છે.”
સર અનવરના જીવન – ઉદ્યોગ, પરિવાર અને સમુદાયને વ્યાખ્યાયિત કરનારા મુખ્ય મૂલ્યોનો ઉલ્લેખ કરતા લોર્ડ કેમરને કહ્યું હતું કે “જ્યારે આપણે કામદારોના આહ્વાનનો જવાબ આપનાર પેઢી વિશે વિચારીએ છીએ ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે સર અન્વર કેટલું ઓછું લઈને આવ્યા હતા. આજે રાત્રે, હું એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું કે સર અન્વર તેમની સાથે કેટલું બધું લાવ્યા હતા. તે મૂલ્યો જેમણે તેમને ચલાવ્યા અને ટકાવી રાખ્યા, તે મૂલ્યો જેનાથી તેમણે આ દેશને ફરીથી બનાવવામાં મદદ કરી, તે મૂલ્યો જેને સર અન્વર મૂર્તિમંત કરે છે. સર અનવર એ સાબિત કરે છે જેને મોટાભાગના ઉદ્યોગસાહસિકો જાણે છે. રાતોરાત સફળતા જેવી કોઈ બાબત નથી. તેમણે રાતોની રાતો, સખત મહેનત, મોડી શિફ્ટ, વહેલી શરૂઆત, લાંબા કલાકો અને માત્ર કઠોરતા સહન કર્યા હતા.”
લોર્ડ કેમરને સર અન્વર અને સ્વર્ગસ્થ માર્ગારેટ થેચર વચ્ચે સમાનતા દર્શાવી જણાવ્યું હતું કે ‘’બંને પરિવાર સંચાલિત એન્ટરપ્રાઇઝની શક્તિને સમજતા હતા. તમે કૌટુંબિક પેઢીનો આદર્શ બનાવ્યો છે. તમે જે કર્યું છે તે કરવા પાછળનું કારણ પરિવારના સભ્યો હતા, પોતાના માણસોની સંભાળ, આપણા પરિવારોની સંભાળ અને ભવિષ્યની પેઢીઓને કંઈક આપવાની ખૂબ જ ઊંડી ઇચ્છા સફળતા માટે જવાબદાર હતા.’’
લોર્ડ કેમરને તેમની ટ્રીબ્યુટનું સમાપન કરતાં કહ્યું હતુ કે “જ્યારે હું તમારા જીવનને જોઉં છું, તમે જે મૂલ્યો દ્વારા જીવ્યા છો, અને આજે એક રાષ્ટ્ર તરીકે આપણે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ તેના વિશે વિચારું છું, ત્યારે એ સ્પષ્ટ થાય છે કે તમે જે લાવ્યા છો અને તમે જે રીતે તમારું જીવન જીવ્યા છો તે બિઝનેસ, કુટુંબ, સમુદાય તરીકે આપની વધુ જરૂર છે.”
ટીવી અને રેડિયો પ્રસ્તુતકર્તા ડર્મોટ ઓ’લેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેઝો-સોપ્રાનો કેથરિન જેનકિન્સ, ઓર્ગેનિસ્ટ અન્ના લેપવુડ અને કવ્વાલી ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાને મનોરંજક ગીતસંગીત રજૂ કર્યા હતા. યુકે અને પાકિસ્તાન બંનેની સંગીત પ્રતિભાઓને એકત્ર કરવામાં આવી હતી. પરંતુ ઉજવણીના કેન્દ્રમાં માણસનો વારસો કેન્દ્ર સ્થાને રહ્યો હતો.
સર અન્વરને પોતાના માર્ગદર્શક, પ્રેરક અને પિતાતુલ્ય કહેતા બેસ્ટવે ગ્રુપના ચેરમેન અને સર અન્વરના ભત્રીજા લોર્ડ ઝમીર ચૌધરી CBE SI (Pk)એ કહ્યું હતુ કે ‘’સર અનવરને કારણે જ મને 12 વર્ષની ઉંમરે યુકે આવવાની તક મળી હતી. ત્યારથી હું સર અન્વર અને બેસ્ટવેની અદ્ભુત સફરનો પ્રત્યક્ષ સાક્ષી બન્યો હતો. આ એક એવી સફર રહી છે જે નિશ્ચય, સખત મહેનત અને દ્રષ્ટિકોણ પર આધારીત છે. તેઓ કોઈપણ ક્ષણે સરળતાથી આ સફરને રોકી શક્યા હોત, પરંતુ તેમના દ્રષ્ટિકોણ અને વિકાસની શોધને ઓળખવાની અને પ્રશંસા કરવાની જરૂર છે.’’
લોર્ડ ચૌધરીએ કહ્યું હતું કે “સર અન્વરે જે બિઝનેસ સ્થાપ્યો છે અથવા હસ્તગત કર્યો છે તેનાથી યુકે અને પાકિસ્તાનમાં હજારો નોકરીઓનું સર્જન થયું છે અને સમુદાયોને ટેકો મળ્યો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, બિઝનેસીસ સર અન્વરના મૂલ્યો અને નીતિનું પ્રતિબિંબ છે. તેમણે સ્થિતિસ્થાપકતા અને આગળની પ્રગતિને બેસ્ટવે સંસ્કૃતિમાં સમાવિષ્ટ કર્યા છે અને આ મૂલ્યો હંમેશા ટકી રહેશે.”
લોર્ડ ચૌધરીએ કહ્યું હતું કે “સર અન્વર ક્યારેય તેમને મદદ કરનારાઓને ભૂલ્યા નથી અને ક્યારેય કોઈને હળવાશથી લેતા નથી. તેમણે હંમેશા જે સમુદાયમાં કામ કર્યું છે તેના માટે જવાબદારી અદા કરી છે. હું જાણું છું કે સર અન્વર બેસ્ટવે ફાઉન્ડેશનની સિદ્ધિઓમાં તેમના મહાન ગર્વને પ્રતિબિંબિત કરે છે.”
સર અનવરનું જીવન ઇમિગ્રન્ટના સ્વપ્નનું સાકાર સ્વરૂપ છે. ૧૯૫૬માં બ્રિટન પહોંચ્યા પછી, તેમણે ૧૯૬૩માં પોતાનો પહેલો રિટેલ સ્ટોર ખોલતા પહેલા બ્રેડફર્ડ અને લંડનમાં શ્રેણીબદ્ધ નોકરીઓ કરી હતી. યુકેમાં આગમનના તેર વર્ષ પછી, તેમણે ૧૯૭૬માં બેસ્ટવે ગ્રુપની વેસ્ટ લંડનમાં શરૂઆત કરી હતી. એક સામાન્ય કન્વીનીયન્સ સ્ટોર તરીકે શરૂ થયેલ બેસ્ટવે યુકેના સૌથી સફળ પરિવારની માલિકીના સમૂહમાંનું એક ગૃપ બની ગયું છે, જેનું વાર્ષિક ટર્નઓવર £૫ બિલિયનથી વધુ છે. આજે તે બેસ્ટવે હોલસેલના નામથી યુકેનું સૌથી મોટું સ્વતંત્ર કેશ એન્ડ કેરી ઓપરેટર છે. તો વેલ ફાર્મસી તરીકે દ્વારા દેશમાં બીજા ક્રમની સૌથી મોટી રિટેલ ફાર્મસી ચેઇન છે.
પાકિસ્તાનમાં, ગ્રુપ બેસ્ટવે સિમેન્ટ, દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક, અને યુનાઇટેડ બેંક લિમિટેડ, સૌથી મોટી ખાનગી બેંક અને એકંદરે ત્રીજી સૌથી મોટી બેંક તરીકે સેવા આપે છે.
યુકે, પાકિસ્તાન અને મીડલ ઇસ્ટમાં ૪૭,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપતું અને ૧.૨ કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપતું, બેસ્ટ વે ગ્રુપ પાકિસ્તાનમાં સૌથી મોટું વિદેશી રોકાણકાર પણ છે.
બેસ્ટ વે ગૃપની ચેરિટેબલ અસર પણ એટલી જ પ્રભાવશાળી છે. સર અન્વરના માર્ગદર્શન હેઠળ સ્થાપિત બેસ્ટવે ફાઉન્ડેશને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ગતિશીલતાના કાર્યો માટે £50 મિલિયનથી વધુનું દાન આપ્યું છે. દર વર્ષે, તેઓ યુનિવર્સિટીના 3,000થી વધુ વિદ્યાર્થીઓને ટેકો આપે છે અને 35,000 લોકોને મફત આરોગ્યસંભાળ પૂરી પાડે છે.
