ફાઇલ ફોટો (Photo by Peter Summers/Getty Images)

કિંગ ચાર્લ્સ ત્રીજા આગામી તા. ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન વિન્ડસર કાસલ ખાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટેટ વિઝીટનું આયોજન કરનાર છે એવી બકિંગહામ પેલેસે સોમવારે જાહેરાત કરી હતી. ફેબ્રુઆરીમાં બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મરે વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પને મહારાજાનું ઔપચારિક આમંત્રણ સોંપ્યું હતું.

પેલેસના એક નિવેદનમાં જણાવાયું હતું કે “યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી યુકેની સ્ટેટ વિઝીટ માટે મહામહિમ રાજા તરફથી આમંત્રણ સ્વીકાર્યું છે. મહારાજા રાષ્ટ્રપતિ અને શ્રીમતી ટ્રમ્પનું વિન્ડસર કાસલ ખાતે સ્વાગત કરશે.”

બે રાત્રિની આ મુલાકાત ટ્રમ્પ માટે અભૂતપૂર્વ બીજી સ્ટેટ વિઝીટ છે. પહેલી સ્ટેટ વિઝીટનું આયોજન સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II દ્વારા ૨૦૧૯માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું.

લંડનમાં બકિંગહામ પેલેસનું રીફર્બીશમેન્ટ ચાલી રહ્યું હોવાથી વિન્ડસર ખાતેના તેમના શાહી નિવાસસ્થાને રાજા ચાર્લ્સ અને રાણી કેમિલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પ્રવાસ કાર્યક્રમમાં પરંપરાગત ઔપચારિક સ્વાગત અને ત્યારબાદ વિન્ડસર કાસલના સેન્ટ જ્યોર્જ હોલમાં ભવ્ય સ્ટેટ ડિનરનો સમાવેશ થવાની ધારણા છે.

તાજેતરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને ગયા અઠવાડિયે વિન્ડસર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં સ્ટાર્મર તરફથી મહારાજાનો પત્ર પ્રાપ્ત કર્યા પછી કહ્યું હતું કે “વિન્ડસર ખાતે આ એક મહાન સન્માન મળશે. તે ખરેખર કંઈક અલગ જ છે.”

વિશ્વભરના દેશો સાથે આર્થિક સંબંધો માટે ટ્રમ્પના ટેરિફ-આધારિત અભિગમ વચ્ચે, સંરક્ષણ અને સુરક્ષા તેમજ વેપારમાં યુકે-યુએસના ખાસ સંબંધોને મજબૂત બનાવવાના બ્રિટિશ સરકારના પ્રયાસોના ભાગ રૂપે આ મુલાકાતને વ્યાપકપણે જોવામાં આવે છે.

LEAVE A REPLY